રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ ખાસ અપીલ | uttarvahini narmada parikrama new rules registration mandatory 2026

![]()
Uttarvahini Narmada Parikrama : નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પંચકોષી નર્મદા પરિક્રમા ગત તા. 19મી માર્ચથી શરૂ થઈ છે. આ પરિક્રમા અર્થે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવીને પરિક્રમા કરી મા નર્મદાના આશિર્વાદ લઈને જઈ રહ્યા છે. આ પરિક્રમાની વ્યવસ્થાઓને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
શ્રદ્ધાળુઓને ખાસ અપીલ
પરિક્રમા અર્થે આવતા ભક્તોને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે, શનિવાર કે જાહેર રજાના અથવા ધાર્મિક તહેવારની રજાની આગલી રાત્રે આવતા હોય છે, તેવા ભક્તો મંગળવાર-બુધવાર-ગુરૂવાર જેવા સામાન્ય દિવસોમાં આવે તો શ્રદ્ધાળુઓને વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ કક્ષાની સુવિધા પૂરી પાડી શકાય છે.
કયા કયા નિર્ણયો લેવાયા?
1. સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાર્થીઓને જવા દેવામાં આવશે
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, શનિ-રવિવારની રજા તથા રામનવમીની રજાના દિવસોમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્રએ કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે, જેમાં પ્રથમ તો પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાર્થીઓને જવા દેવામાં આવશે. બે જગ્યાએ આ પદ્ધતિ અમલમાં આવશે.
(1) તિલકવાડા ત્રણ રસ્તા પાસે અને
(2) વાવડી રોડથી રામપુરા જવાના રોડ પર.
ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પોતાને એક-બે કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો રાહ જોવા માટે વિનંતી છે.
2. રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને જ પરિક્રમામાં જવા દેવાશે
વહીવટી તંત્રનો બીજો નિર્ણય કે જે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ yatradhamportal.gujarat.gov.in છે. આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ બે દિવસ પૂર્વે જે ઘટના ધ્યાને આવી તે બાદ આગામી તારીખ 25થી 30 માર્ચ સુધી આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન જેમણે કરાવ્યું હશે, તેમને જ પરિક્રમા અર્થે જવા દેવામાં આવશે. ત્યારબાદ બીજા રજાના દિવસો એટલે કે, 2-3-4-11 અને 13 એપ્રિલના દિવસોમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, જેથી આ પરિક્રમા શ્રદ્ધાળુઓ સારી રીતે કરી શકે.
3. બોટમાં બેસતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત
ત્રીજો મુદ્દો નદી પાર કરવા બોટમાં બેસતી વખતે શ્રદ્ધાળુઓએ ફરજિયાતપણે લાઈફ જેકેટ પહેરવાનું રહેશે. લાઈફ જેકેટ નહીં પહેરનાર શ્રદ્ધાળુઓ પાસેથી દંડની વસુલાત કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે. આ પરિક્રમા સુચારૂ રૂપે પાર પડે અને ભક્તિમય-આનંદમય રીતે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.


