ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after cow falls on bike elderly man dies

![]()
– જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ
– વૃદ્ધને સારવાર અર્થે બોરસદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખાનપુર-ચુવા રોડ પર શનિવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બે વ્યક્તિઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાય આડે આવતા બાઈક અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૬૫ વર્ષીય વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
વીરસદના સરદાર આવાસમાં રહેતા કનુભાઈ પરસોતમભાઈ કાછીયા પટેલ (ઉં.વ. ૬૫) શનિવાર, ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે તેમના પડોશમાં રહેતા રીપેશભાઈ ચંદુભાઈ પરમાર સાથે બાઈક પર બોરસદ જવા નીકળ્યા હતા. ખાનપુર-ચુવા રોડ પર નહેર પાસે પહોંચતા અચાનક એક ગાય રસ્તા પર આવી ગઈ હતી.
બાઈક ગાય સાથે અથડાતા બંને સવારો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પાછળ બેઠેલા કનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને નાક-કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોરસદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના ભત્રીજા અશ્વિનભાઈ ગિરીશભાઈ કાછીયા પટેલે વીરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાઈક ચાલક રીપેશભાઈ ચંદુભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.



