ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire broke out in a firecracker factory killing a worker

![]()
– બરવાળા પંથકના બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી
– ફેક્ટરી માલિક સહિત બે વ્યક્તિ ગંભીર પણે દાજી જતા હોસ્પિટલે ખસેડાયા
ભાવનગર : બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં આજે સવારના સમયે બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. ભયાનક વિસ્ફોટ સાથે આગ ભભૂકી ઉઠતા ફેક્ટરીના માલિક સહિત ત્રણ લોકો ગંભીર પણે દાઝ્યા હતા. જેના એક શ્રમિકની સ્થળ પરજ મોત નિપજ્યું હતુ.
બરવાળા પંથકમાં બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી ભુપતભાઈ ગીરજાશંકર વ્યાસની માલિકીની ફટાકડા બનાવવાની ફેક્ટરી આવેલી છે. આજે સવારના સમયે ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને ભીષણ આગ ભભુકી ઉઠી હતી. જોત જોતામાં ફટાકડા બનાવવાનો કાચો માલ આગની લપેટમાં આવી ગયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને લાગેલી આગ પર પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગમાં શ્રમિક હાદક સંજયભાઈ સોલંકીનું સ્થળ પરજ મોત નિપજ્યું હતી. તેમજ ફેક્ટરીના માલિક ભુપતભાઈ ગીરજાશંકર વ્યાસ તેમજ શ્રમિક જયદિપ કમલેશભાઈ સાથળા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આગના ફટાકડા બનાવવાનો કાચો માલ સંપૂર્ણપણે ખાક્ થઈ જવા પામ્યો હતો. આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળેલ નથી. આ સમગ્ર ઘટના બોટાદ ડિવાયએસપી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
શ્રમિકના શરીરના અંગો દૂર ખેતરોમાં જઈ પડયા
ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થાતાની સાથે ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકના શરીરનાઅંગો દૂર ખેતરોમાં જઈ પડયા હતા અને ફેક્ટરીના પતરા લગભગ ૧૦૦ મીટર દૂર ફેંકાઈ ગયા હતા.



