ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujarat Today Heat to Intensify With 5°C Rise Ahead

![]()
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહેલા હવામાનના પલટા વચ્ચે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે (21મી માર્ચ) સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે, આ માવઠાની અસર બાદ રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે.
આજે આ વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપના સંયુક્ત પ્રભાવને લીધે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં સામાન્ય વરસાદની શક્યતા છે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 3 દિવસમાં તાપમાન વધશે
વરસાદી માહોલ શમતાની સાથે જ ફરી ઉનાળો પોતાનો મિજાજ બતાવશે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૩ દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું, જે આગામી દિવસોમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
કેમ વારંવાર બદલાઈ રહ્યું છે હવામાન?
હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો અને મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે માર્ચ માસમાં આ પ્રકારે પવન, વાવાઝોડા અને કરા સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. આ અણધાર્યા ફેરફારને કારણે દિવસના તાપમાનમાં કામચલાઉ ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે ગરમીનો પ્રકોપ વધવાની પૂરેપૂરી શક્યતા છે.



