ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | world happiness day survey 58 percent people feeling lonely saurashtra university

World Happiness Day 2026: આધુનિક યુગમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધી છે, પરંતુ માનવીય સંવેદનાઓ અને આંતરિક સુખમાં ક્યાંક ઓટ આવી હોય તેવું જણાય છે. દર વર્ષે 20મી માર્ચે ‘વિશ્વ ખુશાલી દિવસ’ની ઉજવણી થાય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સરવેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 2250 લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસ મુજબ, 58% લોકો એવા છે જેમને મનની વાત શેર કરવા માટે કોઈ જ ભરોસાપાત્ર વ્યક્તિ મળતી નથી.
તણાવમુક્ત જીવન માટે ભાવનાત્મક સુખાકારી અનિવાર્ય
સુખ એ જીવનનું પ્રાથમિક લક્ષ્ય છે, જે માત્ર સંપત્તિથી નહીં પરંતુ સામાજિક સંબંધો અને માનસિક સુખાકારીથી મળે છે, એ સમજવા માટે થયેલા વિશિષ્ટ સર્વેમાં લોકોની જીવનશૈલી અને માનસિક સ્થિતિ વિશે અનેક પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ સરવે સાબિત કરે છે કે જો આપણે ‘હું’ માંથી ‘અમે’ તરફ વળીએ અને સામાજિક સંબંધોને મજબૂત બનાવીએ, તો જ ખરા અર્થમાં ‘વિશ્વ ખુશાલી દિવસ’ સાર્થક થશે. જે મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી માનસિક સ્વાસ્થ્ય અને સર્વાંગી કલ્યાણનું મહત્ત્વ સમજાવે છે, જેમાં તણાવમુક્ત જીવન માટે ભાવનાત્મક અને સામાજિક સુખાકારી જરૂરી ગણાય છે.
સરવેનાં મુખ્ય અને ચોંકાવનારા તારણો
સામાજિક એકલતા: 58.20% લોકો પાસે મનની વાત કરવા કોઈ નથી, જ્યારે માત્ર 29.30% લોકો પાસે જ પૂરતા મિત્રો કે સ્વજનો છે.
નિષ્ફળતા અને નસીબ: 65.50% લોકો જીવનની મુશ્કેલીઓને ‘નસીબના ખેલ’ માને છે, જ્યારે માત્ર 27.30% લોકો જ તેને નવી તક તરીકે જુએ છે.
સ્વ-ક્ષમાનો અભાવ: 44.20% લોકો પોતાની ભૂલો માટે પોતાની જાતને માફ કરી શકતા નથી, જે આંતરિક અશાંતિનું મોટું કારણ છે.
ઊંઘ અને ઉત્સાહ: 61.4% લોકો માત્ર 5-6 કલાકની અપૂરતી ઊંઘ લે છે. પરિણામે, 54.60% લોકો સવારે ઉઠતી વખતે ક્યારેક જ ઉત્સાહ અનુભવે છે.
ક્રોધ અને તણાવ: 57.80% લોકોને નાની નાની બાબતોમાં વારંવાર ગુસ્સો આવે છે અને 68.5% લોકો અઠવાડિયામાં તણાવ અનુભવે છે.
સુખની વ્યાખ્યા: 86.5% લોકો માટે સાચું સુખ એટલે ‘મનની શાંતિ’ છે.
જીવનમાં સકારાત્મકતા અને આનંદ વધારવાનો મુખ્ય ઉદ્દેશ્ય
વિશ્વ ખુશાલી દિવસ (વર્લ્ડ હેપીનેસ ડે)ની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના જીવનમાં ખુશીનું મહત્ત્વ સમજાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. જેને સાર્થક કરવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2012માં એક વિશેષ ઠરાવ પસાર કરીને આંતરરાષ્ટ્રીય ખુશાલી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને ઉજવણી પણ થાય છે.




