દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan caught creating ruckus on Delhi Sarai Rohilla Express after consuming intoxicants

![]()
પ્લેટ ફોર્મ નં.2 પર ટ્રેન આવતા જ નડિયાદ રેલવે પોલીસ ત્રાટકી
તબીબી પરીક્ષણમાં ઇન્ડિયન નેવીના જવાને આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું જણાયું, નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધ્યો
નડિયાદ: નડિયાદ રેલવે પોલીસે દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પીને ધમાલ મચાવતા નેવીના જવાનને ઝડપી પાડયો હતો. નડિયાદ રેલવે પોલીસે નૌકાસેનાના જવાન સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ રેલવે પોલીસ દ્વારા દિલ્હી-સરાઈ-રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એક્સપ્રેસ ટ્રેનમાં ધમાલ કરતા પકડાયેલા આરોપી નરેન્દ્રકુમાર ગજે સિંગ (ઉં.વ.૩૪, મૂળ રહે.ઝુંઝુનૂ, રાજસ્થાન) ભારતીય નૌસેનામાં ફરજ બજાવે છે. ૧૮ માર્ચની રાત્રે આશરે ૮.૫૨ કલાકે નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ટ્રેન આવી પહોંચી હતી, ત્યારે રેલવે પોલીસને માહિતી મળી હતી કે, કોચ નંબર એમ ૧ના બર્થ નંબર ૧૨ પર એક મુસાફર નશાયુક્ત દ્રવ્ય પીધેલી હાલતમાં છે અને ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોને ધમાલ કરી હેરાન પરેશાન કરી રહ્યો છે. જેથી નડિયાદ રેલવે પોલીસની ટીમે આરપીએફ જવાનો સાથે મળીને ટ્રેનના કોચમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન આરોપી નરેન્દ્રકુમાર નશાની હાલતમાં તોતડાતી જીભે વાત કરતો અને લથડિયાં ખાતો મળી આવ્યો હતો. તેના મોઢામાંથી નશાયુક્ત દ્રવ્યની તીવ્ર વાસ આવતી હતી અને પૂછપરછ કરતા તેની પાસે ગુજરાતમાં દારૂ પીવા માટેનું કોઈ પાસ કે પરમિટ મળી આવી ન હતી. આ આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબી પરીક્ષણમાં ઇન્ડિયન નેવીના જવાને આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી નડિયાદ રેલવે પોલીસે નૌસેનાના જવાન સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



