1900 કરોડની છેતરપિંડી મામલે વસંત ગજેરાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા ઈનકાર | gujarat high court rejects vasant gajera petition 1900 crore fraud case surat news

![]()
Vasant Gajera News: સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ગજેરા બંધુઓ વિરુદ્ધ ચાલી રહેલા 1900 કરોડ રૂપિયાના છેતરપિંડી અને ફોર્જરી કેસમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ગજેરા બંધુઓ દ્વારા કરાયેલી એફઆઈઆર રદ કરવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પ્રાથમિક પુરાવા જોતા તપાસ અટકાવવી ન્યાયના હિતમાં નથી.
શું છે સમગ્ર વિવાદ અને આરોપ?
ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદ મુજબ, ગજેરા બંધુઓએ મસમોટું કૌભાંડ આચર્યું છે. ગજેરા બંધુઓએ બોગસ ડિજિટલ સહીઓનો ઉપયોગ કરીને ખાનગી કંપનીમાં ફરિયાદીનો 43 ટકા હિસ્સો ઘટાડીને માત્ર 4.02 ટકા કરી નાખ્યો હતો. આ ઉપરાંત મિલેનિયમ-2 અને મિલેનિયમ-4 ટેક્સટાઈલ માર્કેટની દુકાનો વેચીને અંદાજે 2085 કરોડ રૂપિયા મેળવ્યા હતા, જેમાંથી માત્ર 157 કરોડ રૂપિયા ચેકથી દર્શાવ્યા હતા.
તેઓ પર રૂ. 1928 કરોડની રોકડ ઉચાપતનો પણ આરોપ છે. બાકીના અંદાજે ₹1928 કરોડ રોકડમાં મેળવીને તેની ઉચાપત કરી હોવાનો અને આ રકમનો ઉપયોગ અન્ય પ્રોજેક્ટ્સમાં કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદીના પરિવારના સભ્યોની બનાવટી સહીઓ કરીને તેમને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવાયા હતા અને ખોટા દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) માં રજૂ કરાયા હતા.
હાઈકોર્ટે ચુકાદામાં શું નોંધ્યું?
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને પુરાવાઓમાં આરોપીઓની ગુનાઇત સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આરોપીઓ વિરુદ્ધ IPCની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાથી, આ તબક્કે તપાસ રોકવી યોગ્ય નથી.
સુરત ઈકોનોમિક ઓફેન્સ વિંગની તપાસ તેજ
આ કેસની તપાસ હાલમાં સુરત પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા કરાઈ રહી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે ગજેરા બંધુઓ વિરુદ્ધની તપાસ વધુ તેજ બનશે અને ટૂંક સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.



