લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh seized from three factories in Lodhika

![]()
કંપનીની ફરિયાદના આધારે SOGનો દરોડો : ત્રણેય કિસ્સામાં એગ્રિકલ્ચર અને કેમિકલના ડિપ્લોમા- ડિગ્રીધારક 4 કારખાનેદારો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઇ
રાજકોટ, : લોધીકા વિસ્તારમાં એસઓજીએ ગઇકાલે ત્રણ કારખાનાઓમાં દરોડા પાડી રૂ.૨૫ લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે કરી કુલ 4આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. સંબંધીત જંતુનાશક દવાની કંપની દ્વારા અપાયેલી માહિતીના આધારે એસઓજીએ આ દરોડા પાડયા હતા.
એસઓજીએ લોધીકાના માખાવડમાં આવેલી એડીકોન પેસ્ટીસાઇડ્સના ધુ્રવ રસિક પટોડીયા (રહે. રાજકોટ) વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને ત્યાંથી રૂ. 1.95 લાખની નકલી જંતુનાશક દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો. આરોપી ધુ્રવે બીએસસી એગ્રીકલ્ચર સુધી અભ્યાસ કર્યો છે.
બીજો દરોડો વિરવા ગામે શક્તિ કેમીકલમાં પાડી ધવલ ગોરધનભાઇ કોરાટ (રહે. રાજકોટ) વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને ત્યાંથી રૂ. 14.10 લાખની નકલી જંતુનાશક દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો. આરોપી ધવલે એમએસસી કેમીકલ સુધીનો અભ્યાસ કર્યો છે.
ત્રીજો દરોડો રાવકી ગામે ગ્રીન ભારત કેમીકલમાં પાડી સાહિલ સુરેશભાઇ ટીંબડીયા (રહે. શાપર) અને કશ્યપ મગનભાઇ આકોલીયા (રહે. રાજકોટ) વિરૂદ્ધ ગુનો દાખલ કરી કુલ રૂ. 9 લાખની નકલી જંતુનાશક દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો. આરોપી સાહિલે ડિપ્લોમાં ઇન એગ્રીકલ્ચર અને આરોપી કશ્યપે ડિપ્લોમાં ઇન કેમીકલ સુધીનો અભ્યાસ કર્યો છે.
એસઓજીએ તમામ આરોપીઓ વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એસઓજીના સુત્રોએ જણાવ્યું કે ત્રણેય કારખાનાઓમાંથી મુખ્યત્વે મગફળીના પાક માટે ઉપયોગમાં લેવાતી નકલી જંતુનાશક દવાઓ મળી આવી છે. જેનો છંટકાવ કરવાથી પાકને ખુબ જ નુક્શાન થાય છે.



