નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં : બેને ઇજા | Auto rickshaw overturns on National Highway catches fire: Two injured

![]()
Vadodara Accident : ખંભાત કોડવા ખાતે માતાજીના દર્શન કરીને પરત આવતા નંદેસરી બ્રિજ પાસે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં ગેસ લીક થતા આગ લાગી હતી. જોકે બંને ભાઈ રિક્ષામાંથી કૂદી પડતા સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો.
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ધ્રુવકુમાર કનૈયાભાઈ વાઘેલા (ઉંમર 19), જે એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેમણે આપેલી ફરીયાદ મુજબ તા.17/03/2026ના રોજ વહેલી સવારે પોતાના મોટાભાઈ નિલેશભાઈ મહેન્દ્રભાઈ વાઘેલા સાથે રીક્ષા લઈને ખંભાત કોડવા ગામ સ્થિત હડકાઈ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા.
દર્શન કરી પરત સુરત આવતી વખતે બપોરના આશરે 3:45 વાગ્યે નેશનલ હાઈવે નં.48 પર નંદેસરી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. રીક્ષા ચલાવતા નિલેશભાઈએ વાહનને પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી અચાનક વળાંક લેતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે બંને રીક્ષામાંથી કૂદી પડ્યા હતા, જ્યારે પલટી ખાધેલી રીક્ષામાંથી સી.એન.જી. ગેસ લીક થતાં આગ લાગી હતી.
આગ લાગતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક આગ કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ધ્રુવકુમારને કમરના ભાગે દાઝવાની ઇજા થઈ હતી, જ્યારે નિલેશભાઈને ડાબા હાથના કોણીના ભાગે ઇજા પહોંચી હતી.
108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જોકે બંનેએ પોતાની રીતે હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું હતું. આ અકસ્માતમાં રીક્ષા સંપૂર્ણ રીતે સળગી ગઈ હતી, જેમાં ધ્રુવકુમારનો આઈફોન-17 મોબાઈલ, આધારકાર્ડ અને કોલેજ આઈડી તેમજ નિલેશભાઈનો મોબાઈલ, રીક્ષાની આર.સી.બુક અને અન્ય જરૂરી કાગળો ભસ્મ થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે ધ્રુવકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

