LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે ઝડપ્યો | Gas refilling scam caught in Thaltej Ahmedabad police raid and catch delivery boy red handed

![]()
Gas Refilling Scam Caught In Ahmedabad : મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લીધે પેટ્રોલ અને ગેસનો જથ્થો દેશમાં ઓછો હોવાથી તેની અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. સર્જાયેલી ગેસની અછત વચ્ચે અમદાવાદ શહેરના થલતેજમાં ગેસની કાળાબજારીની ઘટના સામે આવી છે. જેમાં બોડકદેવ પોલીસને બાતમીને આધારે ગેરકાયદે ગેસનું રિફિલિંગ કરતા એક શખસને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું
મળતી માહિતી મુજબ, બોડકદેવ પોલીસની ટીમને બાતમી મળી હતી કે થલતેજ ગામના ભરવાડ વાસમાં જાહેરમાં ગેસ રિફિલિંગનું ગેરકાયદે કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે રેડ પાડીને ભરેલા સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ખાલી બોટલમાં ભરતા હીરા પરમાર નામના શખસને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી હીરા પરમાર આંબાવાડીની સંતોષ ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરે છે. તે કસ્ટમરને આપવાના 5 અલગ-અલગ ભરેલા સિલિન્ડરમાંથી થોડો-થોડો ગેસ ચોરી કરતો અને તેને ખાલી બોટલમાં ભરીને ઊંચા ભાવે વેચી દેતો હતો. આ રીતે તે ગ્રાહકોને ઓછો ગેસ આપીને વધારાના પૈસા કમાવાની લાલચમાં કાળાબજારી કરતો હતો.
ઉલ્લેખનીય છે કે, પોલીસે ઘટનાસ્થળેથી 7 ગેસ સિલિન્ડર, ગેસ ટ્રાન્સફર કરવાની પાઇપ, વજન કાંટો, રિક્ષા અને ડિલિવરીની રસીદો સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બોડકદેવ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


