રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹738 Crore Deep Sea Discharge Project Still Incomplete After 6 Years in Gujarat

![]()
Gujarat River Pollution: સાબરમતી, વિશ્વામિત્રી, મહી, ભાદર સહિત રાજ્યની નદીઓને પ્રદૂષણથી બચાવવા ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી નદીના બદલે સીધા સમુદ્રમાં ઉતારવાના આયોજન સાથે વર્ષ 2019થી રાજ્ય સરકાર દ્વારા ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું હતું. જેની પાછળ 7 વર્ષમાં 738 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ વાપરી દેવાઈ હોવા છતાં હજી સુધી પાઈપલાઈનનું નેટવર્ક નાંખવાનું કામ પણ પૂરું કરાયું નથી. આવી મંદગતિએ કામ ચાલશે તો ત્યાં સુધીમાં નદીઓ પૂરેપૂરી પ્રદૂષિત થઈ ચૂકી હશે, પછી આ પ્રોજેક્ટનો શું ફાયદો! તે ચર્ચાનો વિષય છે.
ઉદ્યોગોના પાણી નદીના બદલે સમુદ્રમાં ઠાલવવાનું આયોજન હતું
અમદાવાદ, અંકલેશ્વર, સાયખાના ઉદ્યોગોમાંથી સીધા ખંભાતના અખાતમાં અને જેતપુરથી સીધા પોરબંદરના દરિયામાં કારખાનાના કેમિકલયુક્ત પાણી છોડવા વર્ષ 2019થી 2022 દરમિયાન ચાર સ્થળોએ ડીપ સી પ્રોજેક્ટના કામને મંજૂરી અપાઈ હતી. ત્યારે આ પ્રોજેક્ટ પાછળ કરોડોની રકમ ફાળવી દેવાયા બાદ હવે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. 7 વર્ષમાં હજી અમદાવાદથી ખંભાતના અખાત સુધી પાઈપલાઈન નાંખી શકાય કે નહીં, તેમજ સમુદ્રમાં ઉદ્યોગોના પાણી છોડવાથી પર્યાવરણને શું અસર થશે? તેવી જરૂરી બાબતનો અભ્યાસ જ કરાયો નથી. 7 વર્ષ તો સરકારે માત્ર આ પ્રોજેક્ટની શક્યતા ચકાસવા માટે તજજ્ઞની નિમણૂક કરવામાં કાઢી દીધા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઇડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે
બીજી બાજુ ભરૂચના અંકલેશ્વર અને સાયખા જીઆઈડીસીથી કેમિકલ ઉદ્યોગોના વેસ્ટ પાણીના નિકાલ માટે ડીપ સી પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લાં પાંચેક વર્ષમાં 629.53 કરોડ રૂપિયા, જ્યારે જેતપુરના ટેક્સટાઈલ ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી સીધા પોરબંદરના દરિયામાં ઠાલવવા 108.38 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. તેમ છતાં હજી સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી. કેટલા કિલોમીટરની પાઈપલાઈન નંખાઈ તેવી કોઈ વિગત પણ તંત્ર દ્વારા રજૂ કરાઈ નથી.


