જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute internal committee as sexual harassment case reaches court

![]()
વડોદરા : વડોદરા નજીક રણુમાં આવેલી એક મલ્ટી નેશનલ કંપનીમાં ફરજ બજાવતા
આસિસ્ટન્ટ મેનેજરે કંપનીમાં ફરજ બજાવતી મહિલા અધિકારીની જાતીય સતામણી કરતા આ મામલો
ઇન્ડસ્ટ્રીય કોર્ટ સુધી પહોંચ્યો છે. કંપની દ્વારા રચયેલી સમિતિએ આસિસ્ટન્ટ
મેનેજરને બરતરફ કરી બે લાખનો દંડ ફટકારતા તેની સામે આસિ.મેનેજરે અદાલતમાં દાદ માગી
હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ
સાંભળ્યા બાદ સમિતિના એહેવાલને રદ કરી આંતરિક સમિતિની પુનઃરચના કરવાનો આદેશ કરતા
હવે આ બનાવની પુનઃ તપાસ હાથ ધરાશે.
કેસની વિગત એવી છે કે, મહિલા અધિકારીએ જે ફરિયાદ કરી હતી તેમાં આક્ષેપ
કરવામાં આવ્યો હતો કે, આસિસ્ટન્ટ મેનેજરે મહિલાના ડેસ્ક પાછળ
બેસીને તેના કાન પાછળના તલ અને કાનની બુટ્ટી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.
કંપનીની મુંબઈ સ્થિત આંતરિક સમિતિએ તપાસના અંતે
આસિ.મેનેજરને દોષિત ઠેરવી નોકરીમાંથી બરતરફ કર્યા હતા અને બે લાખ રૃપિયાનો
દંડ ફટકાર્યો હતો.
આ આદેશ વિરુદ્ધ આસિસ્ટન્ટ મેનેજરે ઇન્ડસ્ટ્રિયલ કોર્ટમાં અપીલ
કરી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આ ફરિયાદ પ્રોફેશનલ હરીફાઈના કારણે
કરવામાં આવી હતી. વધુમાં, સમિતિની રચનામાં પોશ (પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ
હેરેસમેન્ટ) એક્ટની કલમનું ઉલ્લંઘન થયું હતું, કારણ કે તેમાં
કોઈ બાહ્ય સ્વતંત્ર સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને તપાસ દરમિયાન સાક્ષીઓની
ઉલટતપાસ કરવાની તક પણ આપવામાં આવી ન હતી.
સામ પક્ષે કંપનીએ બચાવ કર્યો હતો કે જાતીય સતામણીના કિસ્સામાં
ઝીણવટભરી તપાસ જરૃરી છે અને અરજદારે પોતે જ સાક્ષીઓની ઉલટતપાસનો ઇનકાર કર્યો હતો.
કંપનીએ દલીલ કરી હતી કે આવા ગંભીર કિસ્સામાં કડક સજા અનિવાર્ય છે જેથી કાર્યસ્થળ
પર શિસ્ત જળવાઈ રહે. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે તપાસની કાર્યવાહીમાં
પારદશતાનો અભાવ જણાય છે.પોશ એક્ટ મુજબ જે કંપનીના વિવિધ શહેરોમાં એકમો હોય,
તેમણે દરેક એકમ માટે અલગ આંતરિક સમિતિ બનાવવી જોઈએ. વડોદરા સ્થિત
એકમ માટે મુંબઈની સમિતિએ તપાસ કરવી તે કાયદાકીય રીતે અયોગ્ય છે.
આ ઉપરાંત, સ્વતંત્ર બાહ્ય સભ્ય વગરની સમિતિનું બંધારણ
ગેરકાયદેસર ઠરે છે. અંતે, કોર્ટે કંપનીની આંતરિક સમિતિનો
અહેવાલ અને બરતરફીનો આદેશ રદ કર્યો હતો. કોર્ટે આદેશ આપ્યો છે કે કંપનીએ રણું
પ્લાન્ટ ખાતે નિયમ મુજબ નવી આંતરિક સમિતિની રચના કરવી અને કાયદાના દાયરામાં રહીને
નવેસરથી આ કેસની તપાસ હાથ ધરવી.
અનિચ્છનીય મૌખિક વર્તન પણ સતામણી હોઈ શકે છે : કોર્ટ
આ કેસમાં સૌથી રસપ્રદ પાસું એ હતું કે જાતીય સતામણીની વ્યાખ્યા
પર લાંબી ચર્ચા થઈ. અરજદારે દલીલ કરી હતી કે કાન પાછળ તલ હોવો અને એક કાનની બુટ્ટી
વધુ વીંધેલી હોવાની વાત કરવી એ માત્ર એક અવલોકન હતું, જેમાં
કોઈ જાતીય ઈરાદો નહોતો. જોકે, કોર્ટે અને કાયદાએ સ્પષ્ટ
કર્યું છે કે અનિચ્છનીય મૌખિક વર્તન પણ સતામણી હોઈ શકે છે. સૌથી મહત્વનું એ છે કે
આવી ટિપ્પણી કરવા માટે કોઈ વ્યક્તિએ કેટલી નજીક જવું પડે ? કોર્ટે
નોંધ્યું કે સામાન્ય સંજોગોમાં આવી સૂક્ષ્મ વિગતો કોઈનું ધ્યાન ખેંચતી નથી,
જે દર્શાવે છે કે આ બાબત ગંભીર હોઈ શકે છે.
શું છે પોશ એક્ટ અને આંતરિક સમિતિની જોગવાઈ
દેશમાં પોશ (પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) એક્ટ ૨૦૧૩
હેઠળ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે કડક જોગવાઈઓ છે. જે સંસ્થા
કે કંપનીમાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ હોય, ત્યાં આંતરિક સમિતિની રચના કરવી કાયદાકીય રીતે
અનિવાર્ય છે. આ સમિતિમાં કુલ સભ્યોના ૫૦ ટકા મહિલાઓ હોવી જોઈએ અને તેનું અધ્યક્ષપદ
પણ વરિ મહિલા કર્મચારી પાસે હોવું જોઈએ. સમિતિમાં બે કર્મચારી સભ્યો ઉપરાંત એક
બાહ્ય સભ્ય (એનજીઓ અથવા કાયદાના જાણકાર)નો સમાવેશ કરવો ફરજિયાત છે. જો કંપનીના
એકમો અલગ-અલગ શહેરોમાં હોય, તો દરેક શાખા કે પ્લાન્ટ દીઠ અલગ
સમિતિ બનાવવી જરૃરી છે, જેથી પીડિત મહિલા નિર્ભય બનીને
સ્થાનિક સ્તરે ફરિયાદ કરી શકે.



