गुजरात

VIDEO | LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્યું! | Tanker Shivalik Arrives Safely at Gujarat’s Mundra Port from Qatar Amid War



Shivalik Ship: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે, ત્યારે દેશમાં LPG સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં LPG કેરિયર જહાજ ‘શિવાલિક’ કતારથી નીકળ્યા બાદ આજે(16 માર્ચ, 2026) ગુજરાતના મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે. 

‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

ઈઝરાયેલ-ઈરાન વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષ અને મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG) ભરેલું ભારતીય જહાજ ‘શિવાલિક’ સોમવાર સાંજે 5 વાગ્યે મુન્દ્રા પોર્ટ સહીસલામત પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી પસાર થઈને આ જહાજ ગુજરાતના દરિયાકાંઠે આવતા દેશમાં રાંધણ ગેસના પુરવઠાની ચિંતા હળવી થઈ છે.

વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો જળમાર્ગ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો ઊર્જા કોરિડોર છે, જ્યાંથી વિશ્વનો 20 ટકા તેલ અને ગેસનો વેપાર શક્ય બને છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા અને ત્યારબાદ તેહરાન દ્વારા અપાયેલી વળતી પ્રહારની ધમકીને કારણે આ જળમાર્ગમાં જહાજોની અવરજવર જોખમી બની હતી. ઈરાને આ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોને ચેતવણી આપી હતી, જેના કારણે વૈશ્વિક ટેન્કર ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજોને મળી મંજૂરી

યુદ્ધની તણાવ ભરી સ્થિતિ હોવા છતાં ઈરાની સત્તાવાળાઓએ ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા ગેસ કેરિયર્સ ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ને પસાર થવાની વિશેષ મંજૂરી આપી હતી. આ બંને જહાજો કુલ 92,700 મેટ્રિક ટન LPG ભારત લાવી રહ્યા છે. જેમાંથી ‘શિવાલિક’ જહાજ આજે મુન્દ્રા પહોંચી ગયું છે, જ્યારે બીજું જહાજ ‘નંદા દેવી’ 17 માર્ચે કંડલા બંદરે પહોંચવાની અપેક્ષા છે.

પુરવઠો જાળવી રાખવા સરકારના પ્રયાસો

શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ જહાજોના આગમનથી ભારતના ઘરેલું અને વ્યવસાયિક LPG વિતરણ નેટવર્કને મોટો ટેકો મળશે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાજદ્વારી ચેનલો દ્વારા દરિયાઈ માર્ગો સુરક્ષિત રાખવા માટે સંકલન સાધવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે ‘સંકટમોચન’ બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

મુન્દ્રામાં અનલોડિંગ શરૂ

મુન્દ્રા પોર્ટ પર જહાજ લાંગર્યા બાદ તરત જ ગેસ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ જથ્થો પાઈપલાઈન અને ટેન્કરો દ્વારા દેશના વિવિધ હિસ્સાઓમાં પહોંચાડવામાં આવશે, જેથી આગામી દિવસોમાં ગેસની કોઈ અછત ન સર્જાય.





Source link

Related Articles

Back to top button