સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Widow Pension Beneficiaries Drop by 94% in One Year Questions Raised

Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવતા મહિલાઓની સંખ્યા સરકાર દ્વારા એક વર્ષમાં 50 હજારથી 3 હજાર કરી દેવાઈ છે. આ ખુદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ રજૂ કરેલા આંકડા છે. ટેકનિકલ તેમજ કુદરતી કારણોસર આવા પેન્શનરની સંખ્યામાં ફેરફાર થવો વાજબી છે. પરંતુ એક જ વર્ષમાં લાભાર્થીની સંખ્યામાં 46,451નો એટલે કે અધધ 94 ટકાનો ઘટાડો કેવી રીતે થયો તે એક કોયડો બન્યો છે.
મહિનામાં માત્ર 6 ટકા જેટલી વિધવાઓએ જ આ પેન્શન મેળવ્યું
અમદાવાદમાં વિધવા પેન્શન યોજના અંતર્ગત વર્ષ 2025માં લાભાર્થીઓને કુલ 3.76 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. પરંતુ આ પેન્શનનો લાભ મેળવતી મહિલાઓની સંખ્યા વર્ષની શરૂઆત અને અંતમાં કોઈ તાલ બેસતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં જિલ્લાના તમામ 15 તાલુકામાં આ યોજના અંતર્ગત 49,375 મહિલાઓએ લાભ મેળવ્યો હતો. જ્યારે ડિસેમ્બરમાં લાભાર્થીઓની સંખ્યા 2,924એ પહોંચી ગઈ હતી! એટલે કે વર્ષના પહેલા મહિનાની સરખામણીએ વર્ષના છેલ્લા મહિનામાં માત્ર 6 ટકા જેટલી વિધવાઓએ જ આ પેન્શન મેળવ્યું હતું.


આ કોઈ આક્ષેપબાજી નથી પરંતુ વિધાનસભામાં રજૂ થયેલા આંકડા છે. પેન્શનના નિયમોમાં ફેરફાર થવા, કોઈ પેન્શનરનું મૃત્યુ થવું કે અન્ય ટેકનિકલ કારણોસર પેન્શનર સંખ્યામાં વધઘટ થવી યોગ્ય છે. પરંતુ એક જ વર્ષમાં લાભાર્થીની સંખ્યામાં થયેલો આટલો મોટો ઘટાડો તપાસનો વિષય બન્યો છે. પેન્શન વિતરણમાં ચાલતી આવી પોલમપોલના લીધે જરૂરિયાતમંદો સુધી આ યોજનાનો લાભ પહોંચતો જ નહીં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.



