અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal Demand Surges 25–30% Amid Shortage Fears and Rumors

![]()
Wood and Coal Demand In Ahmedabad: મીડિલ ઈસ્ટમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ભારતમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત સર્જાતા અમદાવાદની કેટલીક હોટેલ, રેસ્ટોરાં, હોસ્ટેલના મેસ, ભોજનાલયો, ઢાબાના રસોડા બંધ થવામાં છે. ગેસ સ્ટવ ઓલવાઈ જતા હવે હોટેલ સંચાલકોએ ચૂલો સળગાવવાનો વારો આવ્યો છે. જેથી બળતણના પરંપરાગત સ્ત્રોત એવા લાકડાં અને કોલસાની માંગમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં જ 25થી 30 ટકાનો ઉછાળો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. માંગ વધતા ભાવમાં પણ મણે 10 થી 30 રૂપિયાનો વધારો થયો છે.
હોટેલ સંચાલકો દ્વારા બજારમાંથી દરરોજ 30થી 40 હજાર કિલો વધારાના લાકડાંની ખરીદી
કમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત સર્જાતા હોટેલ અને ખાણીપીણી ઉદ્યોગ બળતણ તરીકે લાકડા અને કોલસાના ઉપયોગ તરફ વળી રહ્યો છે. લાકડાં ખરીદવામાં આવી રહ્યા છે. શહેરમાં લાકડાના ઓછામાં ઓછા આવા 30થી 40 મોટા સપ્લાયર હોવાનો અંદાજ છે. એટલે હોટેલ ઉદ્યોગ તરફથી રોજ 10થી 30 રૂપિયા સુધી વધીને 160-200 રૂપિયે પહોંચી ગયા છે. એટલે પાંચથી 6 રૂપિયાના બદલે હાલ 8થી 10 રૂપિયે કિલો લાકડાં વેચાઈ રહ્યા છે.
હોળીમાં લાકડા વપરાઈ ગયા અને મજૂરો પણ નથી
હોળીના લીધે પહેલેથી જ લાકડાંનો મોટો જથ્થો વપરાઈ ચૂક્યો છે. ઉપરાંત હજી ઘઉંનો પાક ઊભો હોવાથી લાકડા કાપવા ખેતરોમાં પ્રવેશ કરવો શક્ય નથી. બીજી બાજુ, લાકડાં કાપતા કેટલાય પરપ્રાંતીય શ્રમિકો હોળીમાં વતન ગયા બાદ હજી પરત આવ્યા નથી. જેથી હાલ લેબરની પણ અછત છે. આ ત્રણેય કારણોથી પહેલેથી જ બજારમાં લાકડાંની 25થી 30 ટકા અછત ચાલી રહી હોવાનું નારોલના લાટી બજારના વેપારી જણાવે છે. તેવામાં હોટેલ તથા ખાણીપીણીના ઉદ્યોગ તરફથી લાકડાંની માંગ વધી ગઈ છે. એટલે એક તબક્કે દુકાળમાં અધિકમાસ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ઓર્ડર આપ્યાના એક અઠવાડિયા સુધી ખેડા, નડિયાદ, વડોદરા, કચ્છથી લાકડાં આવતા નથી
અમદાવાદના બજારોમાં ધંધુકા, ધોળકા સહિત આસપાસના ગામો તેમજ નડિયાદ, ખેડા, વડોદરા અને કચ્છથી લાકડાનો જથ્થો આવતો હોય છે. પરંતુ એકાએક માંગ વધી જતા આગળથી જથ્થો મોકલવામાં આવતો નથી. અગાઉ ઓર્ડર લખાવ્યા બાદ એક-બે દિવસમાં સ્ટોક અમદાવાદ પહોંચી જતો હતો. પરંતુ હાલ ઓર્ડર આપ્યાના એક અઠવાડિયા સુધી લાકડાંનો જથ્થો ન આવતો હોવાનું સરખેજના વેપારીએ જણાવ્યું હતું.
હાલ નારોલના લાટી બજારમાં એક સપ્લાયર પાસેથી એક જ દિવસમાં હોટેલ સંચાલકો તરફથી 1500થી 2000 કિલો બજારમાંથી 30થી 40 હજાર કિલો વધારાના લાકડાનો સ્ટોક ઉપાડવામાં આવી રહ્યો છે. માંગ વધતા ભાવ પણ મણે 10થી 30 રૂપિયાનો વધારો થયો છે. બળતણ માટે પંચરવ, બાવળ, આંબલી, લીમડો જેવા હાર્ડવૂડ વપરાતા હોય છે. પાણીપુરીથી લઈને ફાસ્ટફૂડની નાની મોટી લારી ચલાવતા લોકો પણ રોજ દસેક કિલો લાકડાં ખરીદી રહ્યા છે.
બીજી બાજુ કોલસાની માંગમાં પણ 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે. આ અંગે સરખેજના વેપારી જણાવે છે કે, આમ તો હોટેલમાં કોલસાનો સપ્લાય બારેમાસ થાય છે. પરંતુ હાલ રોજ વધારાના 300થી 500 કિલો કોલસાની હોટેલ સંચાલકો દ્વારા ખરીદી કરાય છે. કોલસો મોટા ભાગે ભાવનગર અને કચ્છથી આવે છે. જે હાલ 28થી 35 રૂપિયે કિલો વેચાઈ રહ્યો છે. જો આવી જ સ્થિતિ રહી તો, બે-ચાર દિવસમાં લાકડાં અને કોલસાની માંગમાં ભારે ઉછાળો આવી શકે છે.



