જિલ્લામાં અતિ કુપોષિત ૧,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક કુપોષણનો શિકાર બન્યાં | 6 467 children including 1 019 severely malnourished fell victim to malnutrition in the district

![]()
કુપોષણ મુક્તિ અભિયાનો કાગળ પર જ રહી ગયાં
પોષક આહાર અને સારવારની ઝુંબેશો ચલાવવામાં આવતાં ૩,૩૨૮ બાળકોનો કુપોષિતમાંથી ઘટાડો નોંધવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર સહિત રાજ્ભરમાં બાળકોને કુપોષણથી મુક્ત કરવા
ચલાવવામાં આવતાં અભિયાનો કાગળ પર રહી જતાં હોય તેવી સ્થિતિનું નિર્માણ પ્રતિ વર્ષ
થતું રહે છે. ગાંધીનગર જિલ્લામાં અતિ જ કુપોષિત ૧,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક
કુપોષણનો શિકાર હોવાનો આંકડો વિધાનસભામાં અપાયો છે. જોકે માતા અને બાળકને પોષક
આહાર અને સારવારની ઝુંબેશો ચલાવીને ૩,૩૨૮
બાળકોને કુપોષણમાંથી મુક્ત પણ કરાયા હતાં.
વિધાનસભા પ્રશ્નોત્તરીમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી
દ્વારા જ ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં
સરકારી ચોપડે તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિએ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા
૬,૪૬૭ નોંધવામાં
આવી છે. તેમાં સૌથી વધુ કુપોષિત બાળકો દહેગામ તાલુકામાં ૧,૯૫૨, ગાંધીનગર
તાલુકામાં ૧,૭૯૯, કલોલ તાલુકામાં ૧,૬૨૬ અને માણસા
તાલુકામાં ૧,૦૯૦ શોધી
કાઢવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બાળકો પૈકી ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા ૫,૪૪૮ અને અતિ ઓછું
વજન ધરાવતા બાળકોની સંખ્યા ૧,૦૧૯
હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે છેલ્લા એક વર્ષ દરમિયાન જિલ્લાના તમામ આંગણવાડી
કેન્દ્રોમાં બાળકોને પોષણયુક્ત ફોર્ટીફાઇડ સુપોષિત આહાર આપીને તથા બાળકના જન્મ
પહેલાં માતાની કાળજી લઇને અને જન્મ પછીના પ્રથમ ૧ હજાર દિવસ સુધી ખાસ સુપોષિત આહાર
પૂરો પાડવા સહિતના પગલા લેવાયાના કારણે ૩,૩૨૮
બાળકોને કુપોષણની સ્થિતિમાંથી બહાર લાવવામાં આવ્યા હતાં.
જિલ્લાના ચારે તાલુકામાં અતિ કુપોષિત બાળકો મળી આવ્યાં
જિલ્લાના ચારે ચાર તાલુકામાં કુપોષિત બાળકો મળી આવ્યા છે.
તેમાં અતિ કુપોષિત બાળકોની સંખ્યા ૧,૦૧૯
નોંધવામાં આવી છે. જેમાંથી દહેગામ તાલુકામાં ૩૩૭, ગાંધીનગર તાલુકામાં ૨૮૧, કલોલ તાલુકામાં ૨૨૫ અને માણસા તાલુકામાં ૧૭૬ બાળકો અતિ
કુપોષિત મતલબ કે નિર્ધારિતની સામે અતિશય ઓછુ વજન ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે.



