બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ | PM Poshan Commissioner Urges Priority LPG Supply to Schools Amid Gas Shortage

PM Poshan Scheme: મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ઊભી થયેલી એલપીજી ગેસની અછતની સીધી અસર શાળાઓના મધ્યાહન ભોજન પર ન પડે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પીએમ પોષણ યોજનાના કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખીને શાળાઓ અને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે ગેસનો પુરવઠો કોઈપણ અવરોધ વિના અને પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવા સૂચના આપી છે.
ભોજન પહોંચાડવું એ રાજ્યની ફરજ
પીએમ પોષણ યોજનાના સંયુક્ત કમિશનર એન.એસ. ગુપ્તા દ્વારા 13મી માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013 અંતર્ગત આવે છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોને નિયમિત ભોજન પહોંચાડવું એ રાજ્ય સરકારની કાનૂની બાંહેધરીરૂપ ફરજ છે. આથી, કોઈપણ સંજોગોમાં શાળાઓમાં રસોઈ બંધ થવી જોઈએ નહીં.

ગેસ એજન્સીઓને તાકીદની સૂચના
પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેનું ભોજન એલપીજી સિલિન્ડર પર રાંધવામાં આવે છે, જ્યારે એનજીઓ સંચાલિત શાળાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન મારફતે ભોજન તૈયાર થાય છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે ગેસ સપ્લાયમાં અડચણો આવી રહી છે, ત્યારે ગેસ એજન્સીઓને પીએમ પોષણ યોજનાના કેન્દ્રોને અગ્રતા આપવા આદેશ અપાયો છે. જિલ્લા પુરવઠા અધિકારીઓને ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા જવાબદારી સોંપવામાં આવી છે. સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે જરૂરી ઇંધણના જથ્થામાં કોઈ વિઘ્ન ન પડે તે જોવાની તાકીદ કરી છે.
આ પણ વાંચો: LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત
આ ગંભીર મુદ્દે શિક્ષણ વિભાગ અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવોને પણ જાણ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓના નાયબ કલેક્ટરોને આદેશ અપાયો છે કે તેઓ સ્થાનિક સ્તરે ગેસ સપ્લાય પર દેખરેખ રાખે જેથી બાળકોના પોષણ પર કોઈ વિપરીત અસર ન પડે.
આ પણ વાંચો: મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો
આણંદની શાળાએ પણ ગેસની તંગી અંગે તંત્રને કરી હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે 11 માર્ચે આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા મધ્યાહન ભોજન યોજના (PM પોષણ યોજના) ખોરવાય નહીં તે માટે વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માગ કરી હતી. અને આ ગંભીર મુદ્દે ગેસ એજન્સીને પત્ર લખીને જણાવ્યું હતું કે, માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે પુરવઠામાં 6 રાંધણગેસના સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજનમાં ગેસની અછતને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ભવિષ્યમાં બાળકોનું ભોજન બંધ ન થાય તે માટે આ પૂર્વતૈયારીના ભાગરૂપે રજૂઆત કરાઈ હતી. સમય જતા રાજ્યના અનેક જિલ્લામાં આવી સમસ્યા સામે આવી હોવાથી સરકારે આ નિર્ણય લીધો હોઈ શકે છે.



