गुजरात

વિદેશી દારૂની 4102 બોટલ સહિત 36.28 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Goods worth Rs 36 28 lakh seized including 4102 bottles of foreign liquor



વડતાલના કિશોરપુરામાં એસએમસીનો મધરાતે દરોડો

દારૂનું કટિંગ કરતા નડિયાદના બે શખ્સો સહિત ત્રણની ધરપકડ, મુખ્ય સપ્લાયર ફિરોઝ વોરા સહિત પાંચ ફરાર

નડિયાદ: નડિયાદના વડતાલ પાસેના કિશોરપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે મધરાતે દરોડો પાડી લિસ્ટેડ બુટલેગર ભોપા પરમારના ગોડાઉનમાંથી ૪૧૦૨ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ૩૬.૨૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ ઓપરેશનમાં દારૂનું કટિંગ કરી રહેલા નડિયાદના બે શખ્સો સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર ફિરોઝ વોરા સહિત પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ બનાવાઈ છે.

ખેડા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક ધારદાર ઓપરેશન પાર પાડયું છે. નડિયાદ તાલુકાના વડતાલ પોલીસ મથકની હદમાં આવતા કિશોરપુરા ગામે મધરાતે ત્રાટકેલી એસ.એમ.સી.ની ટીમે લિસ્ટેડ બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમારના ખુલ્લા ગોડાઉનમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪૧૦૨ નંગ બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત ૧૬,૦૬,૨૦૦ જેટલી થાય છે. પોલીસને જોઈને નાસભાગ મચી ગઈ હતી, પરંતુ ટીમે ઘેરો ઘાલીને મુખ્ય આરોપી ભોપો પરમાર, નડિયાદની રાધાકુંજ સોસાયટીમાં રહેતા દેવેશ જગદીશભાઈ શર્મા અને જૂના ડુમરાલ રોડ પર રહેતા ચિરાગ માફાજી સરગારાને દબોચી લીધા હતા.

આ દરોડામાં દારૂના જથ્થા ઉપરાંત ૨૦,૦૦,૦૦૦ની કિંમતના ૩ વાહનો, ૨૦,૫૦૦ની કિંમતના ૩ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૩૬,૨૮,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ વિદેશી દારૂનો મુખ્ય સપ્લાયર નડિયાદનો ફિરોઝ અલ્લા રખા વોરા છે, જે તેના ભાગીદાર મહિપતસિંહ સાથે મળીને મોટાપાયે દારૂનો વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદનો વિજય રમેશભાઈ પરમાર અને કરમસદ જીઆઈડીસીનો કશ્યપ ઉર્ફે કસ્તુરી પટેલ પણ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર થયા છે. વડતાલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો અને બી.એન.એસ.ની કલમ ૧૧૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

– નડિયાદ અને આણંદના સપ્લાયરોનું નેટવર્ક ખુલ્યું

એસ.એમ.સી.ની પ્રાથમિક તપાસમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. નડિયાદના ફિરોઝ વોરા દ્વારા સપ્લાય કરવામાં આવતો દારૂ વડતાલના કિશોરપુરા ખાતે ઉતારવામાં આવતો હતો. આ રેઈડ દરમિયાન વાલેટવા ચોકડી પાસે દારૂ ભરેલી ઈકો ગાડી લેવા આવનાર એક અજાણ્યા શખ્સની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં આણંદના કરમસદ સુધી તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.



Source link

Related Articles

Back to top button