ધંધુકા-રાણપુર વચ્ચે નર્મદા કેનાલ નજીક અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident near Narmada Canal between Dhandhuka Ranpur

![]()
દંપતિ પગપાળા મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતા
અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો, પોલીસ તપાસ શરૂ
ધંધુકા: ધંધુકા-રાણપુર માર્ગ પર આજે વહેલી સવારે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં ગલસાણા ગામના દંપતીનું કરુણ મોત થયું છે. ગલસાણા ગામના ચંદુભાઈ જેઝરીયા અને તેમના પત્ની વસંતબેન જેઝરીયા વેજલકા સ્થિત મેલડી માતાના મંદિરે બાધા પૂરી કરવા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ ધંધુકાના ગલસાણા ગામના ચંદુભાઈ અને વસંતબેન આજે વહેલી સવારે લગભગ ૬ વાગ્યાના અરસામાં ગલસાણા ગામથી વેજલકા સ્થિત મેલડી માતાના મંદિરે દર્શન માટે નીકળ્યા હતા. તેઓ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ધંધુકા-રાણપુર માર્ગ પર વાગડ અને પાટણા ગામ વચ્ચે નર્મદા કેનાલ નજીક કોઈ અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં દંપતિને ગંભીર ઈજા પહોંચતા બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સવારે રસ્તા પરથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરતા ધંધુકા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે રાણપુર પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.



