વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dveryday 12000 LPG booking instead of 8000

![]()
વડોદરા, તા.11 ખાડી યુધ્ધના કારણે ગેસની અછત વચ્ચે લોકોમાં ભવિષ્યમાં ગેસનો પુરવઠો મળશે કે નહી તે અંગે ગભરાટ ફેલાતા લોકો એલપીજી ગેસના બોટલનું બુકિંગ કરાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે. શહેરના પાણીગેટ વિસ્તારની ગેસ એજન્સીની ઓફિસમાં તો આજે સવારથી જ લાંબી લાઇન બુકિંગ માટે લાગી હતી. આજે જિલ્લા કલેક્ટર દ્વારા ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરાઇ હતી જેમાં માંગ સામે વધારે પુરવઠો ઉપલબ્ધ હોવાનો દાવો કંપનીઓ દ્વારા કરાયો છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી ૫.૪૪ લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને ૧૨ હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. આઇઓસીએલ દ્વારા ૬ હજાર, એસપીસીએલ દ્વારા પાંચ હજાર અને બીપીસીએલ દ્વારા ૩૭૦૦ જેટલા સિલિન્ડર રોજ ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે ૮ હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા ૧૪૭૦૦ બોટલ રિફિલ કરવામાં આવે છે. એટલે કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગની સંખ્યા વધીને ૧૨ હજાર જેટલી થઇ ગઇ છે.
વૈશ્વિક સ્થિતિને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એસ્મા લાગુ કરાયાના પગલે કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ આજે ગેસ ઉત્પાદકો, વિતરકો ઉપરાંત મામલતદારો સાથે બેઠક યોજી પુરવઠાનો તાગ મેળવ્યો હતો. આ બેઠકો બાદ કલેક્ટરે કહ્યું છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસના ગ્રાહકોએ કોઇ ચિંતા કરવાની જરૃર નથી. ગેસનો પુરવઠો યોગ્ય માત્રામાં છે. તેમણે કાળાબજારી, સંગ્રહખોરી કરતા તત્વોને ડામવા માટે ટીમો બનાવવાની પણ સૂચના આપી છે.
જિલ્લાના મામલતદાર કક્ષાએ ટીમો રચવામાં આવી છે, જે ફિલ્ડ સ્તરે મોનિટરિંગ કરશે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશન અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. ક્યાંય પણ ગેરરીતિ, ડાયવર્ઝન અથવા બ્લેક માર્કેટિંગની ઘટના સામે આવશે તો સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોમશયલ ઉપયોગ માટે ઉપલબ્ધ જથ્થો મર્યાદિત હોવાથી તેની અંદર પણ પ્રાથમિકતાઓ નક્કી કરીને સપ્લાય અપાશે.



