અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરનારા હજુ બે ફરાર | 2 Arrested in Loot with kill Case in Sardarnagar Ahmedabad

Ahmedabad News : અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં તસ્કરોએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી એક વૃદ્ધાની હત્યા કરી હતી. આ ઘટનામાં તસ્કરો વૃદ્ધાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી જતા રહ્યા હતા. લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં ગત 3 માર્ચે લૂંટ વિધ મર્ડરની ઘટના બની હતી. જેમાં ભારતીબેન બજરંગી નામના વૃદ્ધાના ઘરમાંથી 4 લૂંટારુંઓએ 1 લાખ રોકડ અને 1.50 લાખના દાગીના મળીને કુલ 2.50 લાખની લૂંટને અંજામ આપી વૃદ્ધાની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

મુખ્ય આરોપી સહિત બે ફરાર
હત્યાના બનાવને લઈને પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. પોલીસે આજે(11 માર્ચ, 2026) સલમાન ઉર્ફે લલ્લા અને સોનુસીંગ સીકરવારની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી બ્રિજમોહન અને સદાબ ઉર્ફે અસ્માન ફરાર છે.
રૂ.500 ઉછીના લેવા જઈ ઘટનાને અંજામ આપ્યું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, લૂંટ-હત્યાને અંજામ આપનારા ચારેય આરોપી એક બીજાના મિત્ર છે. ચારેય આરોપી ઉત્તર પ્રદેશના આગ્રાના હોવાનું સામે આવ્યું છે. તેઓ અમદાવાદના સરદારનગરમાં છૂટક મજૂરી કામ કરતા હતા. આરોપીઓએ વૃદ્ધા પાસે 500 રૂપિયા ઉછીના લેવા જતાં ઘટનાને અંજામ આપ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ CCTVથી બચવા માટે તેઓએ રેલવે ટ્રેકનો ઉપયોગ કર્યો હતો. આરોપી સલમાન સામે ઉત્તર પ્રદેશ આગ્રામાં હત્યા સહિતના 5 ગુના નોંધાયેલા છે. અન્ય ફરાર બે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



