અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ, ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન અમલી | ahmedabad 70 traffic signals closed 12 to 4 pm heat action plan gujarati

![]()
Ahmedabad News : અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ આકરી ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે શહેરના 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે ચાર રસ્તાઓ પર ટ્રાફિક વધુ હોવાથી સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે, ત્યાં CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી 24 જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય.
શહેરમાં 350 પરબ, બાગ બગીચા 11 વાગ્યા સુધી ખુલા રહેશે
શહેરીજનોની સુવિધા માટે આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી હાલમાં 350 પાણીની પરબો શરૂ કરાઈ છે, જેની સંખ્યા આગામી દિવસોમાં વધારીને 1,000 થી વધુ કરવામાં આવશે. આ ઉપરાંત, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. ગરમીથી બચવા માટે શહેરના તમામ બાગ-બગીચાઓ હવે સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી લોકો ઠંડકનો આશરો લઈ શકે.
બાંધકામ સાઇટ બપોરે બંધ
બપોરના સમયે આકરા તડકાથી બચવા માટે બાંધકામ સાઇટો પર કામ કરતા શ્રમિકો માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન આ નિયમનું કડક પાલન કરવાનું રહેશે. આ સાથે જ આંગણવાડી, શાળાઓ અને સફાઈ કામદારોના કામના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તેઓ હીટવેવની સીધી અસરમાં ન આવે.
નાગરિકોને પણ અપીલ
AMCના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવે, ઉલટી થાય કે અતિશય માથાનો દુખાવો જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર નજીકના UHC અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. ગરમીના આ દિવસોમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને મહત્તમ પાણી પીવું હિતાવહ છે.
હીટ એક્શન પ્લાન અંતર્ગત આ કામગીરી કરાશે.
શહેરના તમામ UHC/CHC પર ઓ.આર.એસ. સેન્ટર શરૂ કરાયા. સામાજિક સંસ્થાઓ/ બિલ્ડર્સ દ્વારા શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરાઈ. શારદાબેન, SVP, LG, VS હોસ્પિટલ તેમજ CHCમાં હીટ રિલેટેડ ઈનલેસના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ. તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી 70 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરાયા. તમામ આંગણવાડીઓ પર ORS પેકેટની વ્યવસ્થા કરાઈ. તમામ BRTS સ્ટેન્ડ અને AMTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ.
બપોરે 12થી 4 આ 70 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
પ્રભાત ચોક, ઉમીયા હોલ, સિલ્વર સ્ટાર, ભાગવત કોમ્પલેક્ષ, સુભષ ચોક, ગુરુકુળ ત્રણ રસ્તા, એન.એફ.ડી સર્કલ, સુરધારા સર્કલ, દાદા સાહેબના પગલાં, વિજય ચાર રસ્તા, કોર્મસ છ રસ્તા, સેન્ટ ઝેવીયર્સ, વાઘ બકરી ટી લોન્જ, ગુલબાઈ ટેકરા, દર્પણ છ રસ્તા, ભીમજીપુરા, સ્ટેડિયમ સર્કલ, સ્વાસ્તિક ચાર રસ્તા, સરદાર પટેલ બાવલા, સમર્પણ સર્કલ, બોડીલાાઈન, અંકુર ચાર રસ્તા, ખોડીયાર મંદિર, ઈનકમ ટેક્ષ સર્કલ, નવરંગપુરા, કાલુપુર સર્કલ, ગેલક્ષી ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા, નોબલ ટી ત્રણ રસ્તા, રખિયાલ ચાર રસ્તા, અજીત મીલ ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા, ખોડીયારનગર ચાર રસ્તા, કંગારૂ સર્કલ (ખોખરા), ગોવિંદવાડી ચાર રસ્તા, હિરાભાઈ ટાવર ચાર રસ્તા, અવકાર હોલ, જવાહર ચોક, ભેરવનાથ ચાર રસ્તા, વૈકુંઠધામ મંદિર ચાર રસ્તા, પીરકમલ ચાર રસ્તા, ફુટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, કાગડાપીઠ ટી, ભુલાભાઈ ચાર રસ્તા, ચાંદખેડા ચાર રસ્તા, જનપથ ટી, અચેર ચાર રસ્તા, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, ગોદરેજ ગાર્ડન સિટી, ONGC કટ ચાર રસ્તા, વિસત સર્કલ, દધીચીબ્રિજ સર્કલ, શાહપુર ચાર રસ્તા, ટાઉન હોલ પાંચ રસ્તા, વલ્લભસદન રિવરફન્ટ, હરિહરઆનંદ સકલ રિવરફ્રન્ટ, નેહરુબિજ ચાર રસ્તા, એક્સાઇઝ ચોકી, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, ઝાઝરમાન ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, બાગબાન ચાર રસ્તા, બજરંગ ચાર રસ્તા, સિલ્વર રેસીડેન્સી ચાર રસ્તા, સાણંદ સર્કલ, ગીરીશ ચાર રસ્તા.



