અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad After Stone Pelting Between Two Groups Six Arrested

![]()
Stone Pelting In Ahmedabad: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગરની વિશ્વકર્મા સોસાયટીમાં ગત રાત્રે દંતાણી સમાજના બે જૂથો વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોસાયટીના એક પરિવારે તેમના ઘરે આવેલા બહારના મહેમાનો સામે વાંધો ઉઠાવ્યો. સામાન્ય ગણાતી આ બાબતે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થયા બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે સમગ્ર સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો
ઝઘડો દરમિયાન બંને પક્ષોએ સોસાયટીના મેઈન ગેટ પાસે એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ બંને પક્ષની મહિલાઓ પણ સામસામે પથ્થર ફેંકતી જોવા મળી હતી. રસ્તા પર પથ્થરોનો ખડકલો થઈ ગયો હતો અને આસપાસના રહીશોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ હિંસક પથ્થરમારામાં હજુ સુધી કોઈને ગંભીર ઈજા પહોંચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
પોલીસ દ્વારા પૂછપરછ શરૂ
આ ઘટનાની જાણ થતા જ રાણીપ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો, જેમાં 4થી 5 પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને સ્થળ પરથી પથ્થરમારામાં સામેલ 6 વ્યક્તિઓની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, અત્યાર સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાણીપ પોલીસ સ્ટેશન ખાતે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.



