૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of accused who raped 15 year old girl rejected

![]()
વડોદરા : ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર
દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ ડિસ્ચાર્જ અરજી મૂકતા અદાલતે અરજદારની
અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, રેકોર્ડ
પર રહેલા પુરાવા મુજબ, આરોપીએ શારીરિક અડપલાં કરી તેના ફોટા
પાડી બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે.
કેસની વિગત એવી છે કે, પદમલા ગામે રહેતા કિશન બિપીનભાઇ વણઝારા નામનો
શખ્સ ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી
ભગાડી ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ તેણે અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધી
બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ
આરોપીએ પોક્સોના ગુનામાં તેને બિનતહોમત મુક્ત (ડિસ્ચાર્જ) થવાની અરજી પોક્સો કોર્ટમાં કરી હતી. અરજીની સુનાવણીમાં
આરોપીના વકીલે દલીલ કરી હતી કે,બંને પક્ષો એક જ જ્ઞાાતિના
હોઇ અદાવતનો બદલો લેવા માટે ખોટી ફરિયાદ
દાખલ કરવામાં આવી છે.
જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ
સગીરાના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ડર અને સામાજિક
આબરૃના કારણે ફરિયાદમાં વિલંબ થયો હતો. તપાસ એજન્સીએ કોર્ટમાં સગીરાનું
મેજિસ્ટ્રેટ રૃબરૃનું નિવેદન, જન્મનું પ્રમાણપત્ર, ઇન્સ્ટાગ્રામ ચેટ અને ફોટા જેવા મહત્વના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે. આ
પુરાવાઓ જોતા આરોપી સામે કેસ ચલાવવા માટે પૂરતો આધાર છે. ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો સાંભળ્યા
બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.



