લાઠીના રામપર ગામે GRD જવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો | GRD jawan fatally attacked by three men in Rampar village with a stick

![]()
રાત્રે કૂતરાં ભસતા હોવા બાબતે બોલાચાલી બાદ માથાકૂટ
મોરબીમાં કચરો સળગાવવા બાબતે પાડોશીઓ બાખડયા, મહિલાને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવા ધમકી
અમરેલી: લાઠી તાલુકાના રામપર ગામે રાત્રિના બે વાગ્યે ત્રણ શખ્સોએ કૂતરાં ભસતા બંધ કરવા બાબતે જીઆરડી જવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ મોરબીના રોહીદાસપરામાં કચરો સળગાવવા બાબતે પાડોશીઓ બાખડયા હતા અને મહિલાઓ સહિત ચાર ઇસમોએ અન્ય મહિલાને ઢીકા પાટું અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ બનાવમાં લાઠીના રામપર ગામના રહીશ અને ગામમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મધુભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે પોતે ગઈકાલે રાતના બે વાગ્યાના અરસામાં પોતાની ફરજ પર બાપા સીતારામના ઓટલે બેઠેલા હતા ત્યારે ગામના ભાસ્કર વિજય મેર, જયદીપ વિજય મેર અને વેલજી ઉર્ફે વિજય મેપા મેર લાકડીઓ લઈને આવ્યા હતા અને કહ્યું કે ‘કૂતરાઓને લઈને નોકરી પર કેમ આવ છો, રાતના ભસતા કૂતરાઓને અહીંથી ભગાડી દે.’ પરંતુ જીઆરડી જવાને કહ્યું કે ‘મારી ફરજ કુતરા તગેડવાની નથી.’ જેથી ત્રણેય શખ્સોને સારું નહીં લાગતા ગાળો આપી ‘આજે તેને પતાવી દેવો છે, તું પોલીસને બોલાવીને અમારું શું બગાડી લઈશ..’ તેમ કહી લાકડી વડે મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો અને કૂતરાને પણ નિર્દયતાથી માર માર્યો હતો. જેથી ત્રણેય સામે જીવલેણ હુમલો, ફરજમાં રૂકાવટ અને પશુ અત્યાચાર અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરાના રહેવાસી રચનાબેન નરેશભાઈ પંડયાએ આરોપીઓ ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મુળજીભાઈ પરમાર, ડેનીશ દેવજીભાઈ પરમાર, ઋષિભાઈ દેવજીભાઈ પરમાર (રહે. બધા રોહીદાસપરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૪ના રોજ તેઓ પોતાના ઘરે ઘાસ તથા કચરો સાફ કરીને સળગાવતા હતા ત્યારે પાડોશી ગીતાબેન અને દેવજીભાઈએ કચરો સળગાવવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જેમ ફવેં તેમ ગાળો આપી લાકડીથી માર માર્યો હતો તેમજ આરોપી ઋષિએ ઢીકાપાટુંનો માર મારી દેવજીભાઈ અને ડેનીશે પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.



