રેલ્વેનું ટેન્ડર અપાવવાનું કહીને ગઠિયાઆએે વેપારીને આબાદ છેતર્યો | ahmedabad police file complaint against the frauders who duped money on name of railway tenders

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં રેલ્વેના વિવિધ ટેન્ડર અપાવવાનું કહીને શાહીબાગ સર્કિટ હાઉસમાં રેલ્વેના અધિકારીઓ સાથે મુલાકાત કરાવીેને સોનાના સિક્કા પડાવીને છેતરપિંડી કરનાર ચાર ગઠિયાઓ વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રેલ્વેના કથિત અધિકારીઓ સાથે મુલાકાત બાદ ટેન્ડરના નાણાં એડવાન્સમાં માંગતા કોલકત્તામાં રહેતા વ્યક્તિને શંકા જતા તપાસ કરાવતા તેમને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો.
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રહેતા ઉત્તમભાઇ મુખરજી રેલ્વે તેમજ અન્ય સરકારી વિભાગમાં ટેન્ડર ભરવાનું કામ કરે છે. પાંચ દિવસ પહેલા તેમના પરિચિત રાજીવ ગોગાઇએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રેલ્વેના ટેન્ડર મોટાપ્રમાણમાં બહાર પડવાના છે. તે વડોદરામાં રહેતા એક વ્યક્તિ રેલ્વેના અધિકારીઓને અને તેમના માટે કામ કરતા વ્યક્તિને ઓળખે છે. જેથી ઉત્તમભાઇએ વડોદરામાં રહેતા વ્યક્તિ પાસેથી સ્વપ્નીલ બંગાળીનો નંબર લઇને ફોન પર વાત કરી હતી. સ્વપ્નીલે તેમને બીજા દિવસે અમદાવાદ બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે તે રેલ્વેના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી આપશે. પણ આ પહેલા તે અધિકારીઓને સોનાના સિક્કા ભેટમાં આપવા પડશે. જેથી ઉત્તમભાઇએ હા કહી હતી અને અમદાવાદ આવીને રૂપિયા પાંચ લાખની કિંમતના બે સોનાના સિક્કા ખરીદી કર્યા હતા.
તે દિવસે બપોરે સ્વપ્નીલ બંગાળી જીતુ પટેલ નામના વ્યક્તિ સાથે આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે રેલ્વેના અધિકારીઓ શાહીબાગ સર્કિટ હાઉસમાં છે. ત્યાં મળવાનું છે. બાદમાં સર્કિટ હાઉસના મહિસાગર રૂમમાં લઇ ગયા હતા. જ્યાં રેલ્વેના બે અધિકારીઓ સાથે મુલાકાત કરાવીને તેમના નામ તેજસ મહેતા અને કૌશિક લાખાણી જણાવ્યું હતું. બંને જણાએ રેલ્વેના ટેન્ડરની ખાતરી આપી હતી અને સોનાના સિક્કા લઇ લીધા હતા. મુલાકાત બાદ બહાર આવીને સ્વપ્નીલ બંગાળી અને જીતુ પટેલે ટેન્ડર માટે એડવાન્સમાં નાણાં માગ્યા હતા. પરંતુ, ઉત્તમભાઇ અને તેમની સાથે આવેલા વ્યક્તિએ એડવાન્સમાં નાણાં આપવાની ના કહી હતી. જેથી બંને જણાએ ટેન્ડરની ખાતરી આપી નહોતી. ત્યારબાદ ઉત્તમભાઇને શંકા જતા તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે ગઠિયાઓએ ટેન્ડરના નામે સરકારી સર્કિટ હાઉસમાં બોલાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે. જેમાં ગઠિયાઓએ અન્ય લોકોને આ મોડ્સ ઓપરેન્ડીથી સોનાના સિક્કા પડાવ્યા હતા.
શાહીબાગ સર્કિટ હાઉસમાં ગઠિયાઓને રૂમ કઇ રીતે મળ્યો!
શાહીબાગ સકિટ હાઉસ સરકારી કામ માટે આવતા લોકોને રહેવા માટે હોય છે અને અને ત્યાં વીઆઇપીનું બુકીંગ પણ એડવાન્સમાં થાય છે. ત્યારે સરકારી સર્કિટ હાઉસમાં રેલ્વેના ટેન્ડરના નામે સોનાના સિક્કા પડાવતી ગેેંગને રૂમ કઇ રીતે આપવામાં આવ્યો? તેને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમાં સર્કિટ હાઉસના સ્થાનિક સ્ટાફની સંડોવણીની શક્યતા છે. રેલ્વે ટેન્ડરના નામે છેતરપિંડી કરતી ગેંગ દ્વારા સર્કિટ હાઉસમાં અગાઉ પણ અન્ય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની શક્યતા છે. જેથી પોલીસ દ્વારા સર્કિટ હાઉસના સીસીટીવી પણ તપાસવામાં આવશે.



