T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ | Cricket fans in Vadodara are excited ahead of the India New Zealand match

![]()
અમદાવાદ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો રમાવાનો હોવાથી વડોદરા શહેરમાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારત પાસે ત્રીજો T20 વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમ પોતાની પ્રથમ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે એડિચોટીનું જોર લગાવશે.
ફાઈનલ મેચને લઈને વડોદરાના વિવિધ વિસ્તારોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અનેક જાહેર સ્થળોએ એલઈડી સ્ક્રીન અને પ્રોજેક્ટર દ્વારા મેચ લાઈવ જોવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ક્રિકેટપ્રેમીઓ પરિવાર અને મિત્રો સાથે ભેગા થઈને આ ઐતિહાસિક મુકાબલો નિહાળવા ઉત્સુક છે.
શહેરમાં ક્રિકેટપ્રેમીઓએ ભારતની જીત માટે ખાસ તૈયારીઓ પણ કરી છે. ભારત વિજયી બને તો ભવ્ય આતશબાજી કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક લોકોએ મેચ જોવા માટે પોતાનો સમય અગાઉથી ફાળવી લીધો છે.
વડોદરાવાસીઓનું કહેવું છે કે, ભારતીય ટીમ અત્યાર સુધીના ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતી આવી છે અને ફાઈનલમાં પણ ભારત હોટ ફેવરિટ માનવામાં આવે છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે ભારતીય ખેલાડીઓ પોતાની શ્રેષ્ઠ રમત બતાવી દેશને વધુ એક ચેમ્પિયન ટ્રોફીનો ગૌરવ અપાવશે.


