गुजरात

પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing ghat in Kacholiya Patdi collapses



– તંત્રની બેદરકારી : કપડાં ધોઇ રહેલી મહિલાઓમાં નાસભાગ 

– બે મહિલાનો આબાદ બચાવ, કાટમાળ હટાવીને ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કઢાયો 

પાટડી :  પાટડી તાલુકાના કચોલીયા ગામે આવેલા સ્નાનાઘાટ (નાહવા) માટેના ઘાટની દીવાલ અચાનક ધરાશાયી થતાં કપડા ધોતી મહિલાઓમાં નાસભાગ મચી ગઇ હતી. એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે મહિલાનો આબાદ બચાવ થયો હતો. 

  પાટડી તાલુકાના કચોલીયા ગામે આવેલા જાહેર સ્નાનાઘાટ પર વર્ષોથી ગામની મહિલાઓે કપડા ધોવા માટે ઉપયોગ કરે છે. જે દરમિયાન રાબેતા મુજબ ગામમાં જ રહેતા વર્ષાબેન રમેશભાઈ રાઠોડ, (ઉ.વર્ષ ૩૫) અને અન્ય બે મહિલાઓ સ્નાનાઘાટ પર સવારના સમયે કપડાં ધોઈ રહી હતી. તે દરમિયાન સ્નાનાઘાટની બે મોટી દીવાલ અચાનક ધરાશયી થતા તેના કાટમાળ નીચે દબાઈ જવાથી  વર્ષાબેન રાઠોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે અન્ય સાથે રહેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. 

આ બનાવની જાણ થતા જ આસપાસના લોકો તેમજ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી મહિલાના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  

જયારે સ્થાનિક ગ્રામજનો અને લોકોના જણાવ્યા મુજબ, સ્નાનાઘાટના વર્ષો જુના બાંધકામ પર તંત્ર દ્વારા નવી દિવાલ બનાવવામાં આવી હતી. જે દિવાલનું થોડા દિવસો પહેલા રીપેરીંગ કરવામાં આવ્યું હતુ છતાંય દિવાલ ધરાશયી થતા હલકી ગુણવત્તાની કામગીરીને કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમજ આ મામલે ઉચ્ચ કક્ષાએ થી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.



Source link

Related Articles

Back to top button