ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા બે ઝડપાયા | IND vs NZ Final: Two Arrested in Ahmedabad for Selling World Cup Tickets at Triple Price

![]()
World Cup Final Ticket Black Marketing: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે ICC T20 વર્લ્ડકપ-2026ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવાની છે. તેવામાં ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 10,000 રૂપિયામાં ટિકિટ વેચતાં 2 યુવકોને ઝડપી પાડ્યા છે.
વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા બે ઝડપાયા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડકપ-2026ની ફાઇનલ મેચની ટિકિટોની ઉંચા ભાવે કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ઉસ્માનપુરા, ગુજરાત વિદ્યાપીઠ એસ.ટી. પીક બસ સ્ટેન્ડ પાસે વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બે શખસોને કોર્ડન કરી તેમની અંગઝડતી લેતા તેમની પાસેથી ફાઇનલ મેચની કુલ 08 ટિકિટો મળી આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા શખસોએ અગાઉથી ઓનલાઇન ટિકિટો બુક કરાવી હતી અને મેચના આગલા દિવસે તે ટિકિટો નિયત કિંમત કરતા ત્રણ ગણા એટલે કે રૂ.10,000માં ગેરકાયદે રીતે વેચતા હતા.
ક્રાઈમ બ્રાન્ચે આ બંને યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ ટિકિટો કબજે કરી લીધી છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ તેજ કરી છે.
આરોપીના નામ
વિપીન રાજેન્દ્રસિંગ ભાટી (રહે. જોધપુર, રાજસ્થાન)
રિતીક રાકેશ યાદવ (રહે. વર્સોવા, મુંબઈ; મૂળ મધ્યપ્રદેશ)

