વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Nalin Patel passes away

![]()
Vadodara : વડોદરા શહેરના સિનિયર એડવોકેટ અને વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન થતાં વકીલ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મળતી પ્રાથમિક માહિતી મુજબ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયું હોવાનું જાણવા મળે છે.
નલિન પટેલ કાયદાકીય ક્ષેત્રમાં સક્રિય અને અનુભવી વકીલ તરીકે ઓળખાતા હતા. તેમની અચાનક વિદાયથી વકીલ સમુદાયમાં શોકની લાગણી વ્યાપી છે. ઘટનાની જાણ થતાં અનેક વકીલો તથા પરિચિતોએ શોક વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. નલિન પટેલ લાંબા સમયથી વકીલ મંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય રહી નેતૃત્વ આપતા આવ્યા હતા
વડોદરાના સિનિયર એડવોકેટ અને વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલના અવસાનથી કાયદાકીય ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના નિધનને પગલે વડોદરા વકીલ મંડળે કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવાની માગ સાથે તમામ ન્યાયાધીશોને ઠરાવ મોકલી આપ્યો છે.
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, નલિન પટેલ વડોદરા તેમજ ગુજરાતના અગ્રણી કાયદાકીય નેતા તરીકે જાણીતા હતા. તેઓ હાલમાં ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા. તેમના અવસાનથી વકીલ મંડળ સહિત સમગ્ર કાયદાકીય જગતમાં દુઃખની લાગણી વ્યાપી છે.
વકીલ મંડળે તેમની સ્મૃતિમાં શોક વ્યક્ત કરતાં કોર્ટની કામગીરી સ્થગિત રાખવા અંગેનો ઠરાવ પસાર કરી તમામ ન્યાયાધીશોને મોકલી આપ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.



