गुजरात

નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન | Pressure near Baliyadev temple near Manjipura Gate in Nadiad authorities turn a blind eye



તંત્ર દ્વારા દબાણો અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે પગલા લેવા માંગ

માત્ર નોટિસો આપવાના નામે સમય પસાર કરાતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ

નડિયાદ: નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલા ફાટક પાસે પૌરાણિક બળિયાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો જમેલો જામતા ભક્તોની લાગણી દુભાઈ રહી હોવાની બૂમ ઉઠી છે. અહીં મંદિરની બિલકુલ નજીક અને જાહેર માર્ગોે પર આડેધડ કાચા-પાકા દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. આ ધામક સ્થળની આસપાસ માંસ, ચિકન અને ઈંડાની લારીઓ અને કેબિનો ખડકી દેવામાં આવતા ભક્તોની લાગણી દુભાઈ રહી છે.

આ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પણ ધમધમતા હોવાથી અસામાજિક તત્વોનો જમાવડો રહે છે, તેવી ચર્ચાઓ થઈ રહી છે. આ અશોભનીય પ્રવૃત્તિઓના કારણે મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા તેમજ ધામક આસ્થા સામે સવાલો ઉભા થયા છે. સમગ્ર વિસ્તારમાં લારી-ગલ્લાઓના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને માર્ગો સાંકડા બની જતા વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નડિયાદ મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખા કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. 

તંત્ર દ્વારા માત્ર કાગળ પર કાર્યવાહીના નામે નોટિસો ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં સ્થળ પરથી એક પણ દબાણ દૂર કરવામાં આવતું નથી. પાલિકાના અધિકારીઓની આ નિષ્ક્રિયતા અથવા મિલીભગતને કારણે દબાણકર્તાઓને મોકળું મેદાન મળી ગયું છે, તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિકોની માંગ છે કે, આ સમગ્ર વિસ્તારમાંથી ગેરકાયદે કેબિનો અને અસામાજિક પ્રવૃત્તિઓ કરાવતા એકમોને તાત્કાલિક અસરથી દૂર કરી મંદિરની પવિત્રતા જાળવવામાં આવે.



Source link

Related Articles

Back to top button