નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજના ‘પાણી’માં! | Chhota Udaipur News Naswadi Kukrada village Corruption claim in Kuppa water supply scheme

Chhota Udaipur News: છોટાઉદેપુરમાં એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ નસવાડી તાલુકાના કુકરદા ગામે ‘વિકાસની ગુલબાંગો’ની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કુપ્પા પાણી પુરવઠા યોજના માત્ર સરકારી ચોપડે જ સફળ દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિકતામાં દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે. કુપ્પા પાણી પુરવઠા યોજના ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે.
યોજના કરોડોની, પણ નળ ખાલીખમ
સરકારે કુપ્પા પાણી પુરવઠા યોજના અંતર્ગત 82 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 82 ગામોને નર્મદાનું ફિલ્ટરયુક્ત શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો. કુકરદા ગામમાં પણ પાઈપલાઈનો નંખાઈ, ટાંકીઓ બની અને ઘરે-ઘરે નળ પણ લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ત્રણ-ત્રણ વર્ષથી આ માળખું તૈયાર હોવા છતાં આજદિન સુધી નળમાં પાણીનું ટીપું પણ ટપક્યું નથી.

ઉનાળાની શરૂઆતથી જ અપાર તકલીફ
કુકરદા ગામના 12 ફળિયામાં અંદાજે 6 હજારથી વધુની વસ્તી વસે છે. ઉનાળાની શરૂઆત થતા જ ગ્રામના પંચાયત હસ્તકના બોરના પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે અને સ્થાનિક નદીઓ પણ સુકાઈ ગઈ છે. ખાસ કરીને 500ની વસ્તી ધરાવતા બોડાબરા ફળિયાની સ્થિતિ અત્યંત કપરી છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં પાણી ન મળતા લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.

કાગળ પરનો વિકાસ અને કડવી વાસ્તવિકતા
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે યોજના સફળતાપૂર્વક ચાલી રહી છે અને ઘરે-ઘરે પાણી પહોંચી રહ્યું છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગ્રામજનો દાવા સાથે સવાલો કરી રહ્યા છે કે, જો કરોડોનો ખર્ચ થયો છે, તો પાણી ક્યાં ગયું? શું અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને જ કાગળ પર વિકાસના આંકડા બતાવે છે? ચૂંટણી ટાણે મતો માંગવા આવતા નેતાઓ આ તરસ્યા આદિવાસી વિસ્તારની મુલાકાત લેવાની તસ્દી લેશે ખરા?

આ પણ વાંચો: ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા
જવાબદાર કોણ?
કરોડો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે ઉધારી દેવામાં આવ્યો છે, છતાં જનતા પાણી માટે વલખાં મારી રહી છે. આ ભ્રષ્ટાચાર છે કે તંત્રની નિષ્કાળજી? છેવાડાના આદિવાસી સમાજની આ મૂળભૂત જરૂરિયાત પ્રત્યે તંત્ર ક્યારે જાગશે તે મોટો પ્રશ્ન છે. હાલ તો ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે કુપ્પા યોજનાનું પાણી જે કાગળમાં દેખાય છે તે વાસ્તવમાં તેમના નળ સુધી પહોંચાડવામાં આવે.



