વડોદરાની દાંડિયા બજારમાં રફતારનો કહેર : બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી | Biker hits two girls riding a moped at Vadodara’s Dandia Bazaar

![]()
Vadodara Accident : વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખાળે ગઈ હોય તેમ એક પછી એક ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આજે દાંડિયા બજાર વિસ્તારમાં વધુ એક અકસ્માતમાં બે યુવતીઓ રફતારના કહેરનો ભોગ બની છે.
મળતી માહિતી મુજબ, દાંડિયા બજાર વિસ્તારમાં લકડી પુલ નજીક પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવતીઓ રોડ પર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી.
બંને યુવતીઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
અકસ્માત સર્જી બાઈક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાઈક ચાલકની અતિઝડપ સ્પષ્ટ દેખાઈ આવે છે. પોલીસ દ્વારા ફૂટેજના આધારે બાઈક ચાલકની ઓળખ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં વધી રહેલી રફતાર અને બેદરકારીને પગલે ટ્રાફિક વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.



