માલણકા ગામે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for murdering a young man in Malanka village

![]()
પ્રેમ સંબંધની દાઝ રાખી ત્રણ ભાઈએ હત્યા કરી
બે દિવસ પૂર્વે યુવક માલણકાથી અવાણીયા રોડ પર બેભાન હાલતે મળ્યો હતો
ભાવનગર: ભાવનગર શહેર નજીક આવેલા માલણકા ગામે બે દિવસ પૂર્વે બપોરના સમયે યુવકને વાડી વિસ્તારમાં લઈ જઈ શખસોએ હત્યા કરી નાખી હતી. જે મામલે મૃતક યુવકના ભાઈએ માલણકા ગામના ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવકના પ્રેમ સંબંધની દાઝ રાખી લાકડી અથવા બોથડ પદાર્થના ઘા મારી યુવકની હત્યા કરનાર ત્રણ શખસોને વરતેજ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ભાવનગર નજીક આવેલા માલણકા ગામે રહેતા ૨૧ વર્ષિય રાધેશભાઈ મનસુખભાઇ બારૈયા ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ માલણકાથી અવાણીયા રોડ પર બેભાન હાલતે પડયો હોવાનો કુટુંબીભાઈઓનો ફોન આવ્યો હતો. પરિવારના લોકો તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા, જ્યાં રાધેશ બેભાન હાલતે મળી આવતા તેને ગામ સુધી લઈ આવ્યા હતા. બાદમાં તેના ભાઈને સર ટી. હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. પ્રેમ પ્રકરણ મામલે રાહુલ ધનજીભાઈ બારૈયા, જયેશ ધીરૂભાઈ બારૈયા અને મનોજ જેન્તીભાઈ બારૈયાએ યુવાનને ગંભીર માર મારી નાસી છૂટયા હતા. આ બનાવ સંદર્ભે વરતેજ પોલીસે રાહુલ ધનજીભાઈ બારૈયા, જયેશ ધીરૂભાઈ બારૈયા અને મનોજ જેન્તીભાઈ બારૈયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



