પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar society

![]()
વડોદરા,પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર પાર્કિગના મુદ્દે સોસાયટીના રહીશ પર હુમલો થયો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર નંદીગ્રામ સોસાયટીમાં રહેતા વેપારી રમેશ નરસિંહભાઇ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૯ મી તારીખે સાંજે સાડા સાત વાગ્યે અમારી સોસાયટીના કોમન પ્લોટમાં મેં મારી કાર પાર્ક કરી હતી. ત્યારબાદ અમે ઘરે પરત આવતા હતા. તે દરમિયાન અમારા ઘરની સામે રહેતા અજય પરીખે ઘરની બહાર આવી અહીંયા રહેવાનું ભારે પાડી દઇશ, તે ગાડી મૂકી છે, તે મારી જગ્યા છે. હવે પછી ત્યાં ગાડી મૂકી તો જાનથી મારી નાખીશ. તેણે મારા પર હુમલો કરી છાતીના ભાગે મુક્કો માર્યો હતો. મેં કહ્યું કે,મારી ગાડી વ્યવસ્થિત જ પાર્ક કરી છે, તો તમને શું પ્રોબ્લેમ છે. અજય પરીખે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હું ઘરે આવીને ચા નાસ્તો કરીને કોમન પ્લોટ તરફ ચાલવા ગયો ત્યારે અજય પરીખ અને વરૃણ પરીખે ફરીથી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



