સુરત પાલિકાની ડીજીટલ કવાયત, સુરતીઓને ક્રિએટર્સના માધ્યમથી અપાશે સ્વચ્છતા સંદેશ | SMCs digital exercise cleanliness message to be given to Surat residents through creators

![]()
Surat Corporation : મોબાઈલમાં આવેલી ક્રાંતિ અને સોશિયલ મીડીયાનો બેધારી તલવાર બની છે. અનેક કિસ્સામાં અફવા ફેલાવવા માટે કુખ્યાત એવા સોશિયલ મીડિયાનો ઉપયોગ સુરત પાલિકા લોક જાગૃતિ માટે કરવા જઈ રહી છે. આગામી દિવસોમાં સ્વચ્છતા માત્ર સ્પર્ધા નહીં પરંતુ સુરતીઓની આદત બની જાય તે માટે સુરત પાલિકાએ ડીજીટલ માધ્યમનો સહારો લઈ રહી છે. સુરત પાલિકા સુરતીઓને ક્રિએટર્સના માધ્યમથી અપાશે સ્વચ્છતા સંદેશો આપવા આયોજન કરી રહી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છતા લીગમાં સુરત શહેર દેશમાં અગ્રેસર છે અને સુરત પાલિકા આ સ્પર્ધા માટે અનેક કામગીરી કરી રહી છે પરંતુ સુરત મ્યુનિ. કમિશ્નરે હવે સ્વચ્છતા સુરતીઓના જીવનનો ભાગ બની રહે તે માટે આયોજન કરી રહ્યાં છે. મ્યુનિ. કમિશ્નર એમ.નાગરાજને કહ્યું છે કે, સુરત પાલિકા માટે સ્વચ્છતાનો હેતુ માત્ર સરકારી અભિયાન નહી પરંતુ સુરતીઓ પોતાના શહેર પ્રત્યે જાગૃત થાય અને પોતાની જવાબદારી સમજે તથા લાઈફ સ્ટાઈલમાં સ્વચ્છતાને અપનાવે તે માટે સોશિયલ મીડીયાને પાલિકા માધ્યમ બનાવવા જઈ રહી છે.
વધુમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, લોક જાગૃતિ માટે હવે સોશિયલ મીડીયા મહત્વનું પરિબળ સાબિત થઈ રહ્યું છે. જેના કારણે ક્રિએટર્સ દ્વારા ટૂંકા વિડિયો (રિલ્સ), બ્લોગ્સ અને જાહેર સંદેશો મારફતે કચરા વ્યવસ્થાપન, જાહેર સ્થળોની સફાઈ અને નાગરિક જવાબદારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. આ માટે સુરત ઉપરાંત રાજ્યના ક્રિએટર્સ સાથે સુરતના ક્રિએટર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમનો એક વર્કશોપ કરવામાં આવશે તેમના મેસેજથી લોકોમાં જાગૃતિ આવે અને સુરતીઓ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાન થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવશે.


