ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips officers attachment posting news गृह વિભાગ updates

|
(પ્રતિકાત્મક તસ્વીર ) |
Gandhinagar News : ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં જાણે નિર્ણયશક્તિનો દુકાળ પડ્યો હોય તેમ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓના ભાવિ અધ્ધરતાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી (17 ઓગસ્ટ, 2025 થી) કોઈ પણ પ્રકારની જવાબદારી વગર ‘વેઇટિંગ ફોર પોસ્ટિંગ’માં રહેલા 10 જેટલા વરિષ્ઠ IPS અધિકારીઓ પૈકી 6 અધિકારીઓને આજે હંગામી ધોરણે અલગ-અલગ બ્રાન્ચમાં ‘એટેચ’ કરવામાં આવ્યા છે. કાયમી નિમણૂકની આશાએ બેઠેલા આ અધિકારીઓને ફરી એકવાર ‘એટેચમેન્ટ’ના નામે માત્ર હંગામી ઠેકાણું આપી દેવામાં આવ્યું છે.
નિર્ણયશક્તિના અભાવે અધિકારીઓ ‘ખૂણે’ મુકાયા
રાજ્યમાં નવા પોલીસ કમિશનરેટ અને નવી રેન્જ બનાવવાની જોરશોરથી વાતો ચાલતી હતી, પરંતુ સરકારના અકળ કારણોસર આ દિશામાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. પરિણામે, DIG અને SP કક્ષાના અધિકારીઓને પ્રમોશન મળ્યા હોવા છતાં તેઓ લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા. આ અધિકારીઓએ અગાઉ ગૃહમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.
ડીજીપી કક્ષાએ પણ ‘ઈનચાર્જ’નું શાસન
ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદ એવા રાજ્ય પોલીસ વડા (DGP) ની પોસ્ટ પર પણ હાલ સ્થિરતા નથી. ડૉ. કે.એલ.એન. રાવ હાલ ઈનચાર્જ DGP તરીકે કાર્યરત છે. જ્યારે તેમનાથી પણ સિનિયર એવા ડૉ. શમશેર સિંઘ કેન્દ્રમાંથી પરત આવ્યા હોવા છતાં હજુ પણ કાયમી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ડૉ. શમશેર સિંઘની નિવૃત્તિને હવે માત્ર એક મહિનો બાકી છે, છતાં સરકાર તેમના અનુભવનો ઉપયોગ ક્યાં કરવો તે નક્કી કરી શકી નથી.
આજે કોને ક્યાં એટેચ કરાયા?
ગૃહ વિભાગના તાજેતરના હુકમ મુજબ 6 અધિકારીઓને પોલીસ ભવન, ગાંધીનગર ખાતે એટેચ કરવામાં આવ્યા છે:
તરુણ દુગ્ગલ: CID ક્રાઈમમાં એટેચ
ચૈતન્ય માંડલિક: પોલીસ સુધારણા (Police Reforms) વિભાગમાં
આર. ટી. સુસારા: ટેકનિકલ સર્વિસમાં
સુધા પાંડે અને સુજાતા મજુમદાર: પોલીસ તાલીમ (Police Training) વિભાગમાં
મયુર પાટીલ (SP): કાયદો અને વ્યવસ્થા (Law and Order) શાખામાં
પોલીસ બેડામાં ચર્ચા અને આક્રોશ
ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના છે જ્યાં DIG કક્ષાના 10-10 અધિકારીઓને આટલા લાંબા સમય સુધી વગર પોસ્ટિંગે રાખવામાં આવ્યા હોય. એટેચમેન્ટ પર મુકાયેલા આ અધિકારીઓને હજુ પણ કાયમી ઓફિસ કે સ્વતંત્ર સત્તા મળી નથી. પોલીસ બેડામાં ચર્ચા છે કે, જો રાજ્યમાં મહત્વની જગ્યાઓ ખાલી જ છે, તો આ સક્ષમ અધિકારીઓને કાયમી પોસ્ટિંગ આપવામાં કયું ‘કોકડું’ ગૂંચવાયું છે? આ ઘટનાક્રમ સાબિત કરે છે કે વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ અને અનિર્ણાયકતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓના મોરલ (મનોબળ) પર અસર કરી રહી છે.




