જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું | four person suicide in district

![]()
વડોદરા, તા.26 વાઘોડિયા તાલુકામાં પારૃલ યુનિવર્સિટીમાં આન્ધ્ર પ્રદેશના એક વિદ્યાર્થી તેમજ સેવાસી અને વાઘોડિયામાં બે યુવાન પરિણીતા સહિત ચાર વ્યક્તિઓએ પંખા પર લટકીને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીક સેવાસી ટીપી-૧માં ધ રેસિડેન્સીમાં રહેતી શેફાલી સંકેતભાઇ યાદવ (ઉ.વ.૩૮) ગોત્રી ખાતે મુથુટ ફીન કોર્પમાં નોકરી કરતી હતી. તેને તા.૨૪ની રાત્રે પંખા પર ઓઢણી બાંધી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે તેના પતિ સંકેત યાદવે તાલુકા પોલીસને જણાવ્યું હતું કે મૃતક શેફાલી નોકરી કરતી હતી ત્યાં ગ્રાહક તરીકે આવતા વિશાલ નામના યુવાન સાથે છેલ્લા એક વર્ષથી સંબંધ હતો તેમજ નોકરી બાબતે પણ ડિપ્રેશનમાં રહેતી હતી.
અન્ય બનાવમાં વાઘોડિયામાં આવેલી સ્નેહલપાર્ક સોસાયટીમાં રહેતો રીતેશ ટીનુભાઇ પરમાર તા.૨૪ના રોજ રાત્રે ઘેર મોડો આવ્યો હતો જેથી પત્ની માનસી (ઉ.વ.૧૮)એ ગુસ્સો કર્યો હતો. દરમિયાન રીતેશકુમાર સોસાયટીની દુકાનમાં સેવ લેવા ગયો હતો અને પરત ઘેર ફર્યો ત્યારે પલંગ પર પ્લાસ્ટિકની ખુરશી મૂકી પંખા પર માનસી ઓઢણીથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી હતી. પત્નીને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
જ્યારે વાઘોડિયા તાલુકામાં લીમડા ગામ ખાતેની પારુલ યુનિવર્સિટીમાં ટાગોરભવન બી હોસ્ટેલમાં રહેતા અને બી ટેકમાં અભ્યાસ કરતા રાવી ગાંધી ક્રિષ્ણા રાવી રમેશ (ઉ.વ.૧૯)એ પોતાની રૃમમાં પંખા પર ઓઢણીથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે હોસ્ટેલના કર્મચારી દિનેશ બચુભાઇ પારઘીએ વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૃ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ સંબંધ હોવાના પુરાવા પોલીસને મળ્યા છે.
આ ઉપરાંત કરજણ તાલુકાના માંગલેજ ગામની સીમમાં આવેલી જીઆઇપીએલ કંપનીના ક્વાટર્સમાં રહેતા મૂળ બિહારના મનિષકુમાર બ્રિજ સહની (ઉ.વ.૩૧)એ રહસ્યમય સંજોગોમાં તા.૨૪ની મોડી રાત્રે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.



