પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Surat Corporation will install smog tower under Amroli Bridge at cost of 35 lakhs

![]()
Surat Corporation : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી વાયુ પ્રદૂષણની માત્રા વધી રહી છે તેના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. હાલમાં સુરત શહેરની એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300 ને પાર કરી જતાં પાલિકા તંત્ર એ હવે પ્રદૂષણની માત્રા ઘટાડવા અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે સ્મોગ ટાવર લગાવવાનો નિર્ણય કર્યો છે.
સુરત શહેરમાં છેલ્લા ઘણા વખતથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે અને તેમાં પણ કેટલાક દિવસો પહેલાં તો શહેરનું AQI 300 ની ઉપર જતું રહેતા શહેરમાં પ્રદૂષણની માત્રા સામે અનેક પ્રશ્નો ઉભા થવા સાથે પાલિકાની કામગીરી પર પણ શંકા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સુરતના લોકોની મુશ્કેલી ઘટાડવા માટે સ્મોગ ટાવર લગાવવામાં આવશે.
આ પહેલા સુરત પાલિકા દ્વારા વસ્તાદેવડી રોડ એક સ્મોગ ટાવર લગાવ્યો છે અને હવે અમરોલી બ્રિજ નીચે ટાવર માટે આયોજન થયું છે. સ્મોગ ટાવર બાંધકામ અને મશીનરી માટે અંદાજે 33. 91 લાખનો ખર્ચ થશે, જ્યારે આગામી 3 વર્ષ સુધી તેના નિભાવ અને મરામત માટે 1,07,954 રૂપિયા ખર્ચવામાં આવશે. આમ, GST સાથે આ આખો પ્રોજેક્ટ અંદાજે 34.99 લાખ એટલે કે, અંદાજે 35 લાખના ખર્ચે તૈયાર થશે. આ પહેલા અગાઉ બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતાપાલિકાએને ત્રીજી વખત ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં જ્હાનવી ઇન્ટરનેશનલ નામની એજન્સીએ ટેન્ડર મેળવ્યું છે આ સ્મોગ ટાવરનો ખર્ચ સુરતના પુર્વ સાંસદની ગ્રાન્ટમાંથી પાલિકાને મળશે. જ્યારે સ્મોગ ટાવરનું મેઈન્ટેનન્સ સુરત પાલિકા સ્વભંડોળમાંથી ભોગવશે.



