72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear in gujarat board exam in vadodara

![]()
વડોદરાઃ સમગ્ર રાજ્યની સાથે વડોદરામાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો તા.૨૬ ફેબુ્રઆરી, ગુરુવારથી પ્રારંભ થશે.
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૬૭ પરીક્ષા કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૭૨૬૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં ધો.૧૦ના ૧૫૬ કેન્દ્રો પર ૪૪૫૮૧ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૭૩ કેન્દ્રો પર ૨૦૮૭૩ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાાન પ્રવાહના ૩૮ કેન્દ્રો પર ૭૨૧૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.સવારની પાળીમાં ધો.૧૦ની પરીક્ષાનો સવારે ૧૦ વાગ્યાથી અને ધો.૧૨ની પરીક્ષાનો બપોરની પાળીમાં ૩ વાગ્યાથી પ્રારંભ થશે.પહેલા દિવસે ધો.૧૦ના વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાની, ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઈકોનોમિક્સની પરીક્ષા આપશે.
પહેલા દિવસે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ચોકલેટ, ગુલાબ આપીને અને તિલક કરીને સ્વાગત કરવામાં આવશે.પૂર્વ સંધ્યાએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા જોવા માટે ધસારો કર્યો હતાશહેરમાં ઠેર ઠેર ખોદકામના કારણે ટ્રાફિક જામ થતો હોવાથી મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રનો રુટ પણ જાતે જ ચેક કરી લીધો હતો.એમ પણ ડીઈઓ કચેરી દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે થોડા વહેલા ઘરેથી નીકળવા અપીલ કરાઈ છે.
૪૪ સ્ટુડન્ટસને રાઈટરની સુવિધા
ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા માટે ૪૪ સ્ટુડન્ટસને રાઈટરની સુવિધા આપવામાં આવી છે. ડીઈઓ કચેરી દ્વારા જે તે સ્કૂલમાં જઈને રાઈટર માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે.આ ૪૪ પૈકી ૧૮ પ્રજ્ઞાાચશ્રુ સ્ટુડન્ટસ છે અને બાકીના સ્ટુડન્ટસ દિવ્યાંગ છે.જેઓ પોતે પેપર જાતે લખી શકે તેમ નથી.
ડીઈઓ કચેરીમાં કંટ્રોલરુમ કાર્યરત
ડીઈઓ કચેરી દ્વારા બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો છે.કંટ્રોલરુમના ૦૨૬૫-૨૪૬૧૭૦૩ નંબર પર વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી જાણકારી મેળવી શકશે અને ફરિયાદ પણ કરી શકશે.કંટ્રોલરુમ કાર્યરત થવાના પહેલા જ દિવસે સંખ્યાબંધ વાલીઓના બેઠક વ્યવસ્થાનો સમય પૂછવા માટે ફોન આવ્યા હતા.કારણકે મોટાભાગના વાલીઓને બેઠક વ્યવસ્થા જોવા માટે સ્કૂલોમાં ક્યારે એન્ટ્રી અપાશે તેની જાણકારી નહોતી.
પરીક્ષા કેન્દ્રોની આસપાસના
ફોટોકોપી સેન્ટરોની સાથે વાઈ ફાઈ પણ બંધ રાખવા આદેશ
બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શહેર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ધો.૧૦ અને ૧૨ના પેપરોને પણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચતા કરવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રોની આસપાસના ફોટોકોપી સેન્ટરોની સાથે સાથે વાઈફાઈ પણ બંધ કરવાનો આદેશ અપાયો છે.
બોર્ડ પરીક્ષાના નિયત સમયના ૩૦ મિનિટ પહેલાથી વિદ્યાર્થીઓને ક્લાસરુમમાં પ્રવેશ આપવામાં આવશે.
વીજ કંપની દ્વારા પણ પરીક્ષા દરમિયાન વીજ પૂરવઠો ના ખોરવાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના વીજ મીટર અને તેના પર વીજ પુરવઠો પહોંચાડતા ફીડરોની ચકાસણી કરાઈ છે.



