ઓપરેશન મ્યુલ હન્ટ: સાયબર ફ્રોડ અને ગેમિંગ એપના 1500 કરોડના નેટવર્કનો પ્રદાફાશ, રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી | Rajkot News Operation Mule Hunt 1500 Crore Cyber Scam Three arrested

![]()
Rajkot News: રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હંટ હેઠળ 1500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડ પર્દાફાશ કર્યો છે. આ પહેલા 6 આરોપીની ધરપકડ બાદ આજે બુધવારે મુખ્ય આરોપી તેલંગાણાના આદિલુદીન મહમદ, મિહિર રંગાણી અને હિરેન લીંબાસીયા સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કુલ 15 બેન્ક એકાઉન્ટથી 1500 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું ખૂલ્યું છે. આ કેસમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 નંબર પર કુલ 180 જેટલી ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ગુજરાતમાં કુલ 21 ફરિયાદ (2.94 કરોડ) અને અન્ય રાજ્યોમાં કુલ 159 ફરિયાદ (20.20 કરોડ)ની નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
15 એકાઉન્ટ: 10 ખાતામાં 23 કરોડની હેરાફેરી બાકીના 5માં અન્ય રકમની
ચોંકાવનારી વાત એ છે કે 1500 કરોડના આ કૌભાંડમાંથી આરોપીઓના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડની કુલ 23 કરોડની રકમ જમા છે, જ્યારે બાકીની રકમ ઓનલાઇન ગેમિંગ, GST કૌભાંડની હેરાફેરીમાં જમા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં આરોપી મનીષ કમાણી, જય નાદપરા, મિહિર રંગાણી, આદિલુદીન મહમદ અને લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવડીયાના કુલ 15 એકાઉન્ટમાં 1500 કરોડની હેરાફેરી થઈ છે જ્યારે આ પાંચ આરોપીઓ સિવાયના અન્ય 10 ખાતામાં 23 કરોડની લેવડ દેવડ થઈ હોવાનું ખૂલ્યું છે. આરોપીઓ પ્રાઈવેટ બેન્કમાં બેન્ક એકાઉંટ ખોલાવી માર્કેટિંગ યાર્ડની પેઢી સાથે લિંક કરાવતા હતા કારણ કે, તેમાં TDS કાપવામાં આવતું નથી. જેથી ઈન્કમ ટેક્સ વિભાગની નજરમાં ન આવે.
કોના ખાતામાં કેટલી રકમની હેરાફેરી?
-મનીષ કમાણી: 539 કરોડ
-જય નાદપરા: 383 કરોડ
-મિહિર રંગાણી: 87 કરોડ
-લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવડીયા: 493 કરોડ
-આદિલુદ્દીન મોહમ્મદ: 23 કરોડ
પોલીસ તપાસ બાદ શું કહ્યું?
રાજકોટ જિલ્લા પોલીસવડાએ આ મામલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસે અત્યાર સુધીમાં આ ખાતાઓમાંથી 23 કરોડ 14 લાખ રૂપિયાની રકમ ફ્રીઝ કરી દીધી છે. આ શખ્સો વિરુદ્ધ સમગ્ર ભારતમાં 180 જેટલી ફરિયાદો નોંધાયેલી છે, જેમાંથી 21 ફરિયાદો માત્ર ગુજરાતની છે. હાલ નવ જેટલા આરોપીઓની આ ગુનામાં અટકાયત કરવામાં આવી છે અને આ તમામ એકાઉન્ટ્સમાં કુલ 1500 કરોડ જેટલી માતબર રકમ સંડોવાયેલી છે.
2.94 કરોડનું ગુજરાતમાં કર્યું સાયબર ફ્રોડ
‘આ 1500 કરોડમાંથી 23.14 કરોડ રૂપિયા અલગ-અલગ રાજ્યોમાંથી 1930 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને સાયબર ફ્રોડના ભાગરૂપે ફ્રીઝ કરાવવામાં આવ્યા છે. બાકીની રકમની તપાસ હાલ ચાલુ છે. તપાસ દરમિયાન આમાં જીએસટી (GST) ની હેરફેર થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે, જેની ઉપર પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં કુલ 180 જેટલી ફરિયાદો ‘1930’ પર નોંધાયેલી છે, જેમાંથી 21 ફરિયાદો આપણા ગુજરાત રાજ્યની છે, જેમાં 2.94 કરોડ જેટલી રકમ સંડોવાયેલી છે.’
APMCના એકાઉન્ટ્સને ટાર્ગેટ કરતાં
‘આ કૌભાંડમાં સાઈબર ફ્રોડ, ગેમિંગ ફ્રોડ અને જીએસટી ફ્રોડના પૈસા સામેલ છે. આરોપીઓ એવા એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા જ્યાં ટેક્સ ઓથોરિટીની નજર ઓછી પડે, તેથી તેઓએ APMCના એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા, કારણ કે ત્યાં જીએસટી કે ટીડીએસ કાપવાનો હોતો નથી. તેથી તેઓ આ એકાઉન્ટ્સ ભાડે રાખીને ઓપરેટ કરતા હતા.’
સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તજવીજ
મહત્વનું છે કે પોલીસે આજે આદિલુદ્દીન મહમદ, મિહિર રંગાની અને હિરેન નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી અત્યાર સુધી આ કેસમાં કુલ 9 લોકો ઝડપાયા છે. જેમાંથી અમુક આરોપીઓ માત્ર 1 લાખ રૂપિયાના વ્યવહાર પર 300 થી 400 રૂપિયાના કમિશન માટે આખા કૌભાંડને અંજામ આપતા હતા. હાલ પોલીસ આ ટોળકીના અન્ય તાર ક્યાં ક્યાં ફેલાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
‘ઓપરેશન મ્યુલ હન્ટ’ શું છે?
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, ઓનલાઈન છેતરપિંડી માટે નાણાં હેરફેર કરવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવા માટે સોંપી દે છે.

