દસ રૃપિયાની ફાટેલી નોટ બદલાવવા મુદ્દે નિવૃત્ત બેંક કર્મચારી પર હુમલો | Retired bank employee attacked for exchanging torn Rs 10 note

![]()
ગાંધીનગર નજીક આવેલા ઝુંડાલમાં
વૃદ્ધ નોટ બદલવા વિનંતી કરતા હતા ત્યારે ત્યાં હાજર શખ્સ ઉશ્કેરાઈ ગયો અને મિત્રએ પણ માર માર્યો
ગાંધીનગર : શહેરમાં નજીવી બાબતે હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે
આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઝુંડાલ ગામમાં સામે આવ્યો છે, જ્યાં માત્ર ૧૦
રૃપિયાની ફાટેલી નોટ બદલાવવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ એક ૬૩ વર્ષીય નિવૃત્ત
બેંક કર્મચારીને માથામાં લાકડાનો ધોકો મારી લોહીલુહાણ કરી દીધા હતા.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ઝુંડાલમાં રહેતા અને ખંભાતની કો-ઓપરેટીવ બેંકમાંથી નિવૃત્ત થયેલા દિપકકુમાર
બળવંતરાય પંડયા ગઇકાલે બપોરે તેમની પત્ની સાથે સ્વામીનારાયણ મંદિર પાસે આવેલા
શ્રીજી પાર્લર પર મસાલો લેવા ગયા હતા. ત્યાં તેમણે ૧૦ રૃપિયાની નોટ આપી હતી, પરંતુ પાર્લર
સંચાલકે વધુ એક રૃપિયો માંગતા તેમણે પોતાની નોટ પરત માંગી હતી. આ સમયે દુકાનદારે
તેમને ૧૦ની ફાટેલી નોટ પરત આપતા તેમણે તે બદલી આપવા વિનંતી કરી હતી. નોટ બદલાવવાની
વાત પર ત્યાં હાજર રાજુ ઉર્ફે રાજ ધનાજી ઠાકોર નામનો શખ્સ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો
અને ૧૦ રૃપિયા માટે શું કચકચ કરો છો તેમ કહી ગાળાગાળી કરી વૃદ્ધને રોડ પર પાડી
દીધા હતા. ઝઘડો શાંત થયા બાદ જ્યારે દિપકકુમાર અને તેમના પત્ની ઘરે પરત ફરી રહ્યા
હતા, ત્યારે આ
રાજુ તેના મિત્ર વિશાલ ભરતજી ઠાકોર સાથે એક્ટિવા પર ધસી આવ્યો હતો. તેણે હનુમાન
મંદિર પાસે વૃદ્ધને આંતરીને આજે તો તને જોઈ લઈશતેમ કહી માથાના ભાગે લાકડાના ધોકા
વડે હિંસક હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઇજા થતા દિપકકુમારને લોહીલુહાણ હાલતમાં
હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. અડાલજ પોલીસે આ મામલે રાજુ ઉર્ફે રાજ
ધનાજી મફાજી ઠાકોર અને વિશાલ ભરતજી ઠાકોર બંને રહે. ઝુંડાલ વિરુદ્ધ ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



