રાજકોટમાં પોલીસની પરિક્ષા માટે આવેલી ભાટીયાની યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો | A girl from Bhatia who had come for a police exam in Rajkot hanged herself

![]()
મુંજકામાં બહેનપણીના ઘરે પગલું ભરી લીધું
કામ સબબ બહાર ગયેલી બહેનપણી પરત ઘરે આવતા ઘટનાની જાણ થઈઃ કારણ અંગે રહસ્ય
રાજકોટ: દેવભૂમિ દ્વારકાના ભાટિયા ગામે રહેતી અને રાજકોટમાં પોલીસ ભરતી માટેની પરિક્ષા આપવા આવેલી યુવતીએ મુંજકામાં બહેનપણીના ઘરે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.
ભાટિયા ગામે રહેતી રીતુબેન દેવાભાઈ કાબરીયા (ઉ.વ.ર૧)એ આજે સવારે મુંજકામાં બહેનપણી હિનાબેન રાઠોડના ઘરે ગળાફાંસો ખાઈ લેતા સિવિલમાં ખસેડાઈ હતી. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. જાણ થતા ગાંધીગ્રામ-ર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું કે, ત્રણ બહેનમાં વચેટ રીતુબેનના પિતા ખેતમજુરી કરે છે. તેણે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. હાલ પોલીસ ભરતીની પરિક્ષાની તૈયારી કરી રહી હતી. આગામી તા.ર૬મીએ મવડી હેડકવાર્ટરમાં દોડની પરિક્ષા હોવાથી તે છેલ્લા ત્રણેક દિવસથી બહેનપણી હિનાબેનના ઘરે રોકાઈ હતી.
તેની બહેનપણી કામ સબબ બહાર ગયા બાદ આજે સવારે પરત આવી ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ રીતુબેને નહીં ખોલતાં દરવાજો તોડીને જોતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં દેખાતા હોસ્પિટલે ખસેડી હતી. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકના પરિવારજનોને જાણ કરાતા તે રાજકોટ આવી પહોંચ્યા હતા. જોકે આપઘાત પાછળના કારણ અંગે અજાણ હોવાનું પોલીસને કહેતા વધુ તપાસ જારી રખાઈ છે.



