ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા | Attack on AAP Leader in Rajkot District Sparks Political Uproar

Attack on AAP Leader in Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે (24મી ફેબ્રુઆરી) ભારે તંગદિલી સર્જાઈ છે. આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ સંયુક્ત સચિવ જીગીશા પટેલ પર અજાણ્યા શખસો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલા મહિલા નેતાની કારને ઘેરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે હાથાપાઈ કરી ઈજાઓ પહોંચાડતા મામલો ગરમાયો છે.

પ્રશ્નો સાંભળવા ગયા ને પથ્થરમારો થયો
મળતી માહિતી અનુસાર, ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે જીગીશા પટેલ સ્થાનિક મહિલાઓની રજૂઆત અને પ્રશ્નો સાંભળવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક 4 થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોના ટોળાએ તેમની કારને આંતરી હતી. ઉગ્ર બોલાચાલી વચ્ચે એક મહિલાએ મોટો પથ્થર મારીને કારનો કાચ ફોડીને જીગીશા પટેલ પર હુમલો કર્યો હતો. જેના કારણે જીગીશા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજા થતા તેને પ્રથમ ગોંડલ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડ્રાઈવરની સતર્કતાથી બચ્યો જીવ
સ્થિતિ વધુ વણસે તે પહેલા જીગીશા પટેલના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને કારને ભીડમાંથી ભગાડી મૂકી હતી, જેને કારણે વધુ જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે ગોંડલ અને રાજકોટ ‘આપ’ના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેની પાછળ કોણ છે તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


