સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tender for the Surat book fair dome Mismanagement at the inauguration day

![]()
કોવિડ બાદ સુરતમાં ફરી શરુ થયેલા પુસ્તક મેળાને લઈને એક તરફ ઉત્સાહનો માહોલ હતો, તો બીજી તરફ ટેન્ડર વિવાદ અને અવ્યવસ્થાએ કાર્યક્રમની શરૂઆતમાં જ વિવાદ ઉભો થયો છે. મુખ્યમંત્રી દ્વારા પુસ્તક મેળો ખુલ્લો મુકાયો હતો પરંતુ કાર્યક્રમ દરમિયાન જ મૂળભૂત સુવિધાઓ માં ખામી બહાર આવતાં અનેક સવાલો ઉભા થયા છે.
સુરત મહાનગરપાલિકાનો 20મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો 2026 મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો છે. આ પહેલા ટેન્ડર પ્રક્રિયા થઈ હતી જેમાં પાલિકાના અંદાજ કરતા 63 ટકા ઉંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાતા ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ થઈ છે. જોકે, આ અંગે તપાસ થાય તે પહેલાં જ ઉદ્ઘાટન સમારોહમાં અનેક ખામીઓ બહાર આવી ગઈ છે.
આ પુસ્તક મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ અને યજમાન મેયર, મ્યુનિ. કમિશ્નર સહિતના મહાનુભાવો જે ડોમમાં વડા પ્રધાનના મનકી બાતનો કાર્યક્રમ સાંભળતા હતા તે જગ્યાએ પંખા- કુલરની હવા પહોંચતી જ ન હતી. જેના કારણે તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને અંદાજ કરતાં વધુ ખર્ચ હોવા છતાં અવ્યવસ્થા થઈ હતી જેથી વધારાના પંખા મુકવા માટે દોડધામ થઈ ગઈ હતી. અન્ય લોકો માટે જે પંખા મુકાયા હતા તે ઉચકીને તાત્કાલિક મહાનુભવો પર હવા જાય તે રીતે મુકી દેવામાં આવ્યા હતા.
પુસ્તક મેળો જેવા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના વડા હાજર રહેતા હોય ત્યારે વ્યવસ્થા અંગે વિશેષ સાવચેતી અપેક્ષિત હોય છે. છતાં, પ્રાથમિક સુવિધાઓ માં ખામી રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે: ઉદ્ઘાટન સમારંભ દરમિયાન જ આવી પરિસ્થિતિ સર્જાતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ગરમાઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ થયા તેને સમર્થન મળી રહ્યું છે.


