સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગઇ | Drunk Drivers Terror on Sama road Out of Control Car Hits Vendor Crashes into Barricades

![]()
સમા જી.આઇ.પી.સી.એલ. સર્કલથી જલારામ મંદિર તરફ જવાના રોડ પર ગઇકાલે રાત્રે એક નશેબાજ કારચાલકે શાકભાજીની લારીને ટક્કર મારી હતી. ત્યારબાદ સ્ટિયરિંગ પરથી તેણે કાબૂ ગુમાવતા કાર બેરીકેડ તોડી આગળ ખાડા પર ચઢી ગઇ હતી. અકસ્માતના પગલે લોકો ટોળે વળ્યા હતા. સમા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
સમા રણછોડનગરમાં રહેતા અનિલ રામચંદ્રભાઇ સોનકર શાકભાજીની લારી ચલાવે છે. ગઈકાલે રાત્રે ૯ વાગ્યે તે લારી બંધ કરીને ઘરે જઇ રહ્યો હતો. જી.આઇ.પી.સી.એલ. સર્કલથી જલારામ મંદિર તરફ જવાના રોડ પર પૂરઝડપે આવેલા કારચાલકે લારીને ટક્કર મારતા અનિલ રોડ પર પટકાયો હતો. ત્યારબાદ કારચાલક ભાગી ગયો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર અયપ્પા ગરબા ગ્રાઉન્ડ પાસે ચાલતા કોર્પોરેશનના કામ માટે મૂકેલા બેરિકેડને અથડાઇ હતી. ત્યારબાદ પણ કાર ઊભી રહી નહતી અને રોડ પર કરેલા માટીના ઢગલા પર ચઢીને ઊભી રહી ગઇ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારની એરબેગ પણ ખૂલી ગઇ હતી. પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા કારચાલક તરૃણ નિલેશભાઇ સોની, ઉં.વ. 21 (રહે. શીવમ પાર્ક સોસાયટી, મેટ્રો હોસ્પિટલ પાસે, હરણી) મળી આવ્યો હતો. તેણે દારૃનો નશો કર્યો હતો. સમા પોલીસે આરોપી સામે અકસ્માત અને નશો કરીને કાર ચલાવવાના બે અલગ – અલગ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તરૃણ સોનીએ ધો.12 સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં તે કશું કરતો નથી. ગઇકાલે રાત્રે કાર લઇને ફરવા નીકળ્યો હતો. તેના પિતાનું બે વર્ષ પૂર્વે અવસાન થયું છે. હાલમાં તે માતા સાથે રહે છે.
શાકભાજીની લારીવાળા શ્રમજીવીને ફ્રેક્ચર થયું
શાકભાજીની લારી ચલાવતા અનિલ સોનકરને કપાળ, માથા તથા જમણા પગે ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને જમણા પગના થાપા પર ફ્રેક્ચર થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.


