ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmedabad Municipal Corporation dumper gets stuck in a ditch Video goes viral

Ahmedabad News: એક કહેવત તો તમે સાંભળી હશે કે ખાડો ખોદે તે પડે. આવું જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે થયું છે, AMC ડમ્પર જ મનપાએ ખોદેલા ખાડામાં ફસાઈ ગયું છે. CTM ચાર રસ્તા પાસે AMCએ વિકાસને વેગ આપવા ખાડો કર્યો હતો, કામપૂર્ણ થતાં માટી નાખીને બુરી દેવામાં આવ્યો હતો. જેમાં આજે AMCનો જ ટ્રક ફસાઈ જતા જોવા જેવી થઇ હતી અને કોર્પોરેશનના કામની પોલ ખુલી હતી.
માત્ર મોટી વાતો
મળતી વિગત મુજબ, અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવા માટે તંત્ર અત્યારથી તૈયારીઓનો ધમધમાટ કરી રહ્યું છે. જેમાં અત્યારે ઠેક ઠેકાણે ખોદકામ તેમજ જૂનું કામ સુધારવામાં આવી રહ્યું છે. ત્યારે CTM ચાર રસ્તા પાસે AMC દ્વારા રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું.

આ કામ પૂરું થયા બાદ નિયમ મુજબ ત્યાં મજબૂત પુરાણ કરવાનું હોય છે, પણ મોટી મોટી વાતો કરનારું AMC દ્વારા અહીં તો માત્ર માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. એ જ ખાડામાં AMCનું જ ભારેભરખમ ડમ્પર ફસાઈ જતા જોવા જેવી થઈ હતી. એટલું જ નહીં આ જોઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢ લવાઈ, ત્રણ ગુનામાં કાર્યવાહી શરૂ
આ ઘટના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે, AMCના અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગતથી માત્ર માટી નાખીને કામ પૂરું કરી દેવાયુ હશે. જો આ માટી નાખેલા ખાડામાં કોઈ કાર ફસાયા પછી ગમખ્વાર અકસ્માત થયો હોત તો જવાબદારી કોની એવો લોકો પ્રશ્ન કરી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ તો આ ડમ્પરને બહાર કાઢવાની મથામણ ચાલી રહી છે, પણ સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે? કે પછી ફરી એકવાર માટી નાખીને ભ્રષ્ટાચારને દાટી દેવામાં આવશે?



