ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal flee with money from 3 customers

![]()
રૂ. 13 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ : સોનાના દાગીના બનાવવા માટે રૂપિયા આપનાર ગ્રાહકોને બહાના બતાવ્યા બાદ દુકાનને તાળા મારીને નાસી છુટયા
ગોંડલ, : ગોંડલમાં ભગવતી જવેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાની પેઢી ધરાવતા વેપારી પિતા-પુત્ર ત્રણ ગ્રાહકોના રૂ. 13 લાખ લઈને દુકાનને તાળા મારી ફરાર થઈ જતાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગોંડલના પ્રૌઢના રૂ. 5.30 લાખ, અન્ય એક ગ્રાહકના રૂ. 5.40 લાખ અને ખોખળદળના ગ્રાહકના રૂ. 2.30 લાખ દાગીના બનાવવાના નામે લઈ પિતા-પુત્ર પલાયન થઇ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
ચકચારી બનાવ અંગે ગોંડલમાં કડવાણીનગર રામ મંદીર પાસે રહેતાં જીતેશભાઈ જેન્તીભાઈ પરમાર (ઉ.વ. 54)એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલમાં મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના વિજય મનુ રાણપરા તેમજ તેમનો પુત્ર આનંદના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કડીયાકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઇ તા. 25/09/2025ના તેમના દીકરાના લગ્ન હોવાથી ભગવતી જવેલર્સમાં માલીક વિજય રાણપરા તથા તેના પુત્ર આનંદને 7.5 તોલાના સોનાની હાંસડી તથા બે મંગલસુત્ર બનાવવાનો ઓર્ડર આપીને રૂ.૫.૩૦ લાખ આપ્યા હતા. પરંતુ બાદમાં ઘણો સમય બહાનાબાજી કરી હતી અને અંતે બંને પિતા-પુત્રએ દાગીની નહીં આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, વેપારી પિતા-પુત્રએ મળીને ગોંડલમાં રહેતા સાગરભાઈ નરશીભાઇ માલવીયાના 4 તોલા 43 મીલી ગ્રામ રૂ. 5.60 લાખનું તથા ખોખડદડ ગામના કિશોરભાઈ જીવાભાઈ પરમારે એક સોનાની હાંસડી, ચાંદીના સડા તથા ચાંદીનો કંદોરો તથા સોનાનું મંગળ સુત્ર અને સોનાના પાટલા નાખેલ હોય અને આ સોના તથા ચાંદીના વસ્તુ લેવા માટે આપેલ રોકડ રૂ. 2.30 લાખ લઇ જતા રહેલ હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ પિતા- પુત્રની શોધખોળ શરૂ કરી છે.



