સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to deo vadodara

![]()
વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઈ- સરકાર પોર્ટલ શરુ કર્યું છે અને વડોદરા સહિત તમામ ડીઈઓ કચેરીને શિક્ષણ વિભાગને સ્કૂલોની ફાઈલો આ જ પોર્ટલ પર ઓનલાઈન મોકલવાનો આદેશ આપ્યો છે.
જોકે સ્કૂલોએ જે તે ડીઈઓ કચેરીમાં ફાઈલો કેવી રીતે મોકલવાની તે અંગે હવે સ્પષ્ટતા થઈ છે.વડોદરા ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર થકી ક્યૂઆર કોડ પાઠવ્યો છે.સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, હવે ઉચ્ચતર પગાર ધોરણ, રજાઓ, પેન્શન, ઓલ્ડ પેન્શન સ્કીમ, એરિયર્સ એમ વિવિધ પ્રકારની વહીવટી કામગીરીની ફાઈલો ક્યૂઆર કોડ સ્કેન કરીને તેના પરના ઈ- મેઈલ થકી ડીઈઓ કચેરીમાં મોકલવાની રહેશે.જો કોઈ સ્કૂલ હાર્ડ કોપીમાં ફાઈલ મોકલશે તો તેને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને તેના કારણે કોઈ સમસ્યા ઉભી થશે તો તેના માટે શાળાના આચાર્ય અને સંચાલકો જવાબદાર રહેશે.
એક આચાર્યે કહ્યું હતું કે, નવી વ્યવસ્થાના કારણે સ્કૂલોના કર્મચારીઓને હવે ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે.જોકે સ્કૂલોની વિવિધ કામગીરી માટેની ફાઈલો તૈયાર કરી આપતા જે વચેટિયાઓ સક્રિય છે તેમની કામગીરી ચાલું જ રહેશે કે કેમ તે એક સવાલ છે.ઉપરાંત ડીઈઓ કચેરીના કર્મચારીઓ પણ ઓનલાઈન કામગીરી છતા ધક્કા ખવડાવે છે કે નહીં તે જોવાનું રહે છે.



