વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail rejects to accused in 10 lakh robbery by throwing chilli powder in traders eye

![]()
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગિફ્ટ શોપ સંચાલક વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ. 10 લાખની લૂંટના કેસમાં સંડોવાયેલ આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
ફરિયાદી લીલારામ રેવાણી ગઈ તા.16/01/2026ના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ પાસે આવેલી પોતાની ગિફ્ટ શોપથી પરત ઘરે પહોંચ્યા હતા. કારમાંથી ઉતરવા જતા હતા તે વખતે, એક મોપેડ અને એક બાઈક પર આશરે 25 થી 30 વર્ષના શખ્સો મોઢા ઉપર કાળા કપડા બાંધી ઘસી આવ્યા હતા. અને ફરિયાદીની આંખમાં મરચાની ભૂકી નાખી કારમાં પાછળ રાખેલ બેગ લઈ નાસી છૂટ્યા હતા. બેગમાં દુકાનના વકરાના રોકડા રૂપિયા 10 લાખ હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપી હિરેન મિનેષભાઈ વસાવા રહે -અમુલ ડેરીની સામે ,આણંદ/ મૂળ રહે – અંકલેશ્વર) સામે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) લૂંટ, ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીએ જામીન મુક્ત થવા ચોથા એડિ. સેશન્સ જજ મોબીન અબ્દુલરસીદ ટેલરની કોર્ટમાં અરજી રજૂ કરતા સુનાવણી હાથ ધરાઈ હતી.
બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી કે, આરોપીની અટક કરી રિમાન્ડ લીધા છે. ફરિયાદી સામે એ.ડી.નો ગુનો નોંધાયો છે. આરોપીને પરેશાન કરવા ખોટી રીતે સંડોવી દીધા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી હાલનો પ્રથમ ગુનો છે. મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. મોટાભાગની તપાસ પૂર્ણ થઈ છે . આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગ્રેશનની ની જરૂર નથી. અરજદાર તપાસમાં સહકાર આપશે નિયમિત કોર્ટમાં હાજર રહેશે અને શરતોનું ચુસ્તપણે પાલન કરશે. આરોપીને જામીનમુક્ત કરવા જોઈએ.
સરકાર તરફે ધારાશાસ્ત્રી ડીજીપી અનિલ એમ. દેસાઈએ દલીલો કરી હતી. સરકારી વકીલે તપાસ અધિકારીના સોગંદનામાં ઉપર આધાર રાખી મુખ્યત્વે દલીલ કરી છે કે, આરોપીએ પ્રિ પ્લાનથી લૂંટ કરી બનાવને અંજામ આપ્યો છે. અરજદાર /આરોપી હિરેને , વિનોદ અને અનિલ ના કહેવાથી રૂપિયા ભરેલી બેગ પોતાની પાસે રાખેલ. કારેલીબાગ ભૂતડી જાપા ખાતે રિક્ષામાંથી ઊતરી બેગ લઈને જતો હતો તે દરમિયાન લૂંટના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. અલગ -અલગ દેશની રૂ.2,30, 52,931ની ચલણી નોટો મળી આવી છે. તપાસ હજુ ચાલુ છે. આરોપીનો ગુનામાં લૂંટની રકમ લઈ જવામાં મુખ્ય રોલ છે. ગુનાની ગંભીરતા ધ્યાને લેતા તેમજ કાયદાની જોગવાઈઓ જોતા જામીન અરજી રદ કરવી જોઈએ.
કોર્ટે રજૂ કરેલ દસ્તાવેજો, પોલીસ તપાસના પેપર્સનો અભ્યાસ કરતા તથા બંને પક્ષોની દલીલો ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આરોપીએ ગુનાહિત કાવતરું રચીને લૂંટ કરવાના બદઇરાદા સાથે ધાડ પાડી ગુનો કર્યો છે. અરજદાર આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ભેગા મળી આણંદથી આરોપી અતુલની બાઈક પર અગાઉ ઘડેલ પ્લાનિંગ મુજબ ગુનાને અંજામ આપવા વડોદરા આવ્યા હતા. વાહનની ઓળખ ન થઈ જાય તે માટે નંબર પ્લેટ કાઢી નાખી હતી. અરજદાર સમગ્ર પ્લાનના માસ્ટરમાઈન્ડ હોઈ, ગુનો આચરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ હોય, જેથી આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોવાનું જણાય છે. ગુના ની તપાસ હજી નાજુક તબક્કામાં હોઇ તેમજ અન્ય આરોપીઓને પકડવાના બાકી હોઈ આરોપીને જામીન આપવાથી તપાસ અધુરી રહેશે. હાલના આરોપી અન્ય આરોપીઓને ઓળખતા હોય જેથી તેઓની તપાસના કામે કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની જરૂર છે. ગુનામાં સજાની જોગવાઈ જોઈએ તો મહત્તમ આજીવન /10 વર્ષની કેદની સજાને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે. હાલના તબક્કે અરજદાર/આરોપીને જામીન ઉપર મુક્ત કરવા ન્યાયોચિત જણાતું નથી.
આમ, ગુનાનો પ્રકાર, ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ, આરોપીનો રોલ, તપાસનો નાજુક તબક્કો વિગેરે તમામ પરિબળો ધ્યાને લેતા અરજદાર /આરોપીના જામીન નામંજૂર કર્યા છે.



